સોનગઢ-ઉકાઈ રોડ પર વાંકવેલ ગામની સીમમાં શ્રી જી ગૌશાળા પાસે એક બાઈક પર આવેલા ત્રણ અજાણ્યા ઇસમોએ એકટીવા ચાલકને ચપ્પુ બતાવીને તેની પાસેથી એકટીવા ગાડી,મોબાઈલ ફોન,પર્સ મળી કુલ રૂપિયા ૬૫ હજારની મત્તાની લુટ ચલાવી નાસી છુટ્યા હતા.
આ અંગે મળતી માહિતી અનુસાર સોનગઢના ગુણસદા ગામના મંદિર ફળીયામાં રહેતા ૩૦ વર્ષીય ગૌતમભાઈ રેવાભાઈ ગામીત સોમવારે રાત્રે સોનગઢ ખાતે આવેલ રજવાડી ટી સેન્ટર પર તેમના મિત્ર જોડે ચા પીવા માટે ગયા હતા ત્યાંથી પરત ફરતી વેળાએ તેમના મિત્રને ભારત ઇલેકટ્રીક દુકાન પાસે ઉતારી બંને મિત્રો છુટા પડ્યા હતા.
જોકે ત્યારબાદ ગૌતમભાઈ પોતાની એકટીવા ગાડી નંબર જીજે/૨૬/એએ/૦૧૫૨ ઉપર સોનગઢ-ઉકાઈ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા તે સમયે વાંકવેલ ગામની સીમમાં શ્રી જી ગૌશાળા પાસે મોટરસાયકલ ઉપર આવેલા ત્રણ અજાણ્યા ઇસમોએ તેઓની મોટર સાયકલ એક્ટીવા મોપેડ નજીક લાવતા ગૌતમ ભાઈએ તેમને કહેલ કે “શું છે ભાઇ મારી મોપેડ સાથે અથડાવી દેશો કે” તેમ કહેતા એક ઇસમ મોટર સાયકલ ઉપરથી ઉતરી “શું છે ભાઇ” તેમ કહી ગળા ઉપર ચપ્પુ મુકી દીધેલ તે પછી બીજો ઇસમ પણ મોટર સાયકલ ઉપરથી ઉતરીને તેણે ગૌતમભાઈના પેટના જમણી બાજુ ચપ્પુ મુકી કહેલ કે “ચલ ગાડી પરથી ઉતર જા અને તારી પાસે જે હોઇ તે અમને આપી દે નહિં તો અહીંયા જ મારી નાંખી શું” તેમ કહેલું. તે પછી બંન્ને ઇસમો પૈકી એક ઇસમે પેન્ટના ખિસ્સા માંથી ઓપો કંપનીનો સેવન પ્રો મોબાઇલ ફોન,પર્સ હતું જેમાં ગાડીના હપ્તાના તથા વાપરવાના મળી કુલ્લે રૂપિયા ૧૦ હજાર જેટલા તથા એ.ટી.એમ. કાર્ડ,આધાર કાર્ડ, વોટીંગ કાર્ડ તથા ડ્રાયવિંગ લાયસન્સ સહિતનું પર્સ કાઢી લઇ ઢીક મુક્કીને મારમારી એકટીવા ગાડી અને તેમની મોટર સાયકલ લઈને સોનગઢ તરફ લુટારુઓ રફુચક્કર થઈ ગયા હતા.
ત્યારબાદ ઇંટના ભઠ્ઠા વાળા પાસે જઈ કપડાં માંગી ગૌતમ ઘરે પહોંચ્યો હતો અને તેમણે તેમના પરિવારજનોને જાણ કરી હતી.આ ઘટના અંગે તેઓએ સોનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે એકટીવા ગાડી,મોબાઈલ ફોન,પર્સ મળી કુલ રૂપિયા ૬૫ હજારની મત્તાની લુટ ચલાવી નાસી છુટેલા લુટારાઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી તેમને શોધવા ચક્રોગતિમાન કર્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500