બારડોલી નગરપાલિકા વિસ્તારમાં આવેલી સાઈદર્શન સોસાયટીના ખાલી પ્લોટમાં મોબાઇલ ટાવર ઊભો કર્યા બાદ નગરપાલિકા દ્વારા આ ટાવર દૂર કરવા માટે નોટિસ આપવામાં આવતા સોસાયટીના રહીશોમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. રહીશોએ આ અંગે બારડોલી નગરપાલિકા અને નગર નિયોજનમાં લેખિતમાં રજૂઆત કરી છે.
બારડોલી નગરપાલિકા વિસ્તારમાં આવેલી સાઈ દર્શન સોસાયટીના રહીશોએ કરેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે,બ્લોક નંબર 341 પૈકી 1 ના પ્લોટ નંબર સી-1 વાળી જમીનમાં સોસાયટીનો કોમન પ્લોટ આવેલો છે. હાલ પ્લોટમાં વારિગૃહ બનાવવામાં આવ્યું છે. તેની બાજુમાં બચેલી થોડી જગ્યામાં સોસાયટી દ્વારા એક મોબાઇલ કંપનીને ટાવર માટે ભાડે આપવામાં આવેલ છે.
આ જમીન પર ટી.પી. સ્કીમ નંબર 4 લાગુ પડેલ છે. જેના ફાઇનલ પ્લોટ નંબર 76/2માં આ મોબાઇલ ટાવર હોય તે ટાવર દૂર કરવા માટે નગરપાલિકા દ્વારા મોબાઇલ ટાવર કંપનીને નોટિસ પાઠવવામાં આવી છે. આ ટાવર દૂર ન કરવા માટે સોસાયટીના રહીશો રજૂઆત કરી છે. આ નોટિસ સામે રહીશોએ નગર નિયોજકને વાંધા અરજી પણ આપી હતી. સોસાયટીના રહીશોનું કહેવું છે કે જો ટાવર દૂર કરવામાં આવશે તો સોસાયટીના રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. આથી સોસાયટીના રહીશોએ અદાલતનો દરવાજો ખખડાવવાની ચીમકી ઉચ્ચારી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500