રાજકોટ શહેરમાં વરસાદમાં રસ્તાની વચ્ચે એક મહિલાને યોગાભ્યાસ કરતી બતાવવામાં આવેલા વીડિયોના કલાકો પછી,પોલીસે ટ્રાફિકને અવરોધવાના આરોપસર મહિલાની અટકાયત કરી હતી. મંગળવારે સવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક કથિત વીડિયોમાં રાજકોટ પશ્ચિમના પોશ વિસ્તાર અમીન માર્ગની મધ્યમાં લાલ વસ્ત્રોમાં સજ્જ એક મહિલા યોગાસન કરતી જોવા મળે છે.
મહિલા ટ્રેનરે જાહેર રસ્તા પર યોગ કર્યા
વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મહિલા ટ્રેનર યોગાસન કરતી જ સામેથી આવતી કેટલીક કાર ધીમી થઈ જાય છે. રાજકોટ પોલીસે વાયરલ વીડિયોમાં દેખાતી મહિલાની ઓળખ રૈયા રોડ પર જિનિયસ હાઈટ્સમાં રહેતી 40 વર્ષીય દીના પરમાર તરીકે કરી હતી. ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 283 (જાહેર માર્ગ અથવા નેવિગેશન લાઇનમાં ખતરો અથવા અવરોધ ઊભો કરવા) હેઠળ તેની સામે કેસ નોંધ્યા બાદ તેની અટકાયત કરી હતી.
મહિલા યોગ ટ્રેનર વિરુદ્ધ ફોજદારી કેસ
માલવિયા નગર પોલીસ સ્ટેશન સાથે જોડાયેલા પોલીસ કોન્સ્ટેબલ અંકિત નિમાવતની ફરિયાદના આધારે મહિલા યોગ ટ્રેનર વિરુદ્ધ ફોજદારી કેસ નોંધવામાં આવ્યો હતો. ફરિયાદમાં નિમાવતને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, જ્યારે અમે અમારા પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્રમાં પેટ્રોલિંગ ડ્યૂટી પર હતા, ત્યારે અમે સોશિયલ મીડિયા પર એક વીડિયો જોયો, જેમાં 18 સપ્ટેમ્બર, 2023ના રોજ સવારે 9 વાગ્યે સાગર ટાવર પાસે અમીન માર્ગ પર એક મહિલા યોગ કરી રહી હતી અને આથી ટ્રાફિકને અવરોધ થયો હતો.
મહિલાને કસ્ટડીમાં લેવાઈ
કોન્સ્ટેબલ નિમાવતે કહ્યું, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળેલી મહિલા વિશે પૂછપરછ કરવા પર તે અમીન માર્ગ પર મળી આવી હતી. જ્યારે તેની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે પોતાની ઓળખ સ્થાનિક નરેન્દ્ર પરમારની પત્ની દીના પરમાર તરીકે આપી હતી અને કહ્યું હતું કે તે યોગા તાલીમના વર્ગો ચલાવે છે. માલવિયા નગર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર એ.બી.જાડેજાએ જણાવ્યું હતું કે પરમારની અટકાયત કરીને પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી.
ઈન્સ્પેક્ટર એ.બી. જાડેજાએ એક રિલીઝમાં જણાવ્યું હતું કે, પૂછપરછ દરમિયાન મહિલાએ જણાવ્યું હતું કે તે 18 સપ્ટેમ્બર, 2023ના રોજ સવારે 9 વાગ્યે અમીન માર્ગ પર સાગર ટાવર પાસેના જિમમાં ગઈ હતી. તેણે એક રીલ બનાવી હતી, જેમાં તે જાહેર રસ્તાની વચ્ચે યોગ કરતી જોવા મળી હતી, જેના કારણે વાહનવ્યવહારમાં અવરોધ ઊભો થયો હતો. બાદમાં તેણે તે રીલ સોશિયલ મીડિયા પર અપલોડ કરી હતી. દીના પરમારને દંડ ભરાવીને છોડી મૂકવામાં આવી હતી. તેણીએ કહ્યું કે તે કાયદાનું પાલન કરતી નાગરિક છે અને ટ્રાફિક નિયમોનું પાલન કરે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500