વર્ષ-2024ની શરૂઆત સાથે જ જાપાનમાં મોટો ભૂકંપ આવ્યો છે. જાપાનની ધરતી ફરી એક વખત ભીષણ ભૂકંપથી ધણધણી ઉઠી છે. જયારે 7.4ની તીવ્રતાના ભૂકંપના જોરદાર આંચકા બાદ સુનામીનું એલર્ટ જાહેર કરાયું છે. દરિયામાં 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયાકાંઠાના લોકોને તાત્કાલિક હટવાના આદેશ અપાયા છે. કેટલાક વિસ્તારોમાં ટ્રેન સેવા સ્થગિત કરાઈ છે. પશ્ચિમ જાપાનમાં મોટું નુકસાન થયાના સમાચાર મળી રહ્યા છે. ભૂકંપની તીવ્રતાને ધ્યાનમાં રાખી સુનામીની ચેતવણી પણ જારી કરવામાં આવી છે.
જાપાન મેટિરોલોજીકલ એજન્સીના જણાવ્યા પ્રમાણે, પશ્ચિમી જાપાનના ઈશિકાવા પ્રાંતમાં શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જાપાનના દરિયા કિનારાની સાથે નિગાતા, ટોયામા, યામાગાતા, ફુકુઈ અને હ્યોગો પ્રાન્તમાં પણ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. આ સાથે સુનામી ચેતવણી કેન્દ્ર દ્વારા ઉત્તર કોરિયા અને રશિયાના પૂર્વ દરિયાઈ વિસ્તાર માટે પણ સુનામીની ચેતવણી જાહેર કરાઈ છે. આ સાથે સુનામી ચેતવણી કેન્દ્ર દ્વારા ઉત્તર કોરિયા અને રશિયાના પૂર્વ દરિયાઈ વિસ્તાર માટે પણ સુનામીની ચેતવણી જાહેર કરાઈ છે. હવામાન વિભાગ સાથે જોડાયેલા જાપાની અધિકારીઓએ જણાવ્યું કે, સુનામીના કારણે સમુદ્રના મોજા 5 મીટર ઉંચા ઉછળી શકે છે.
એટલા માટે લોકોને શક્ય તેટલી વહેલી તકે ઊંચી જમીન અથવા નજીકની બિલ્ડિંગોની ટોચ પર ભાગવાનો આગ્રહ કરવામાં આવ્યો છે. કોસ્ટલ એરિયામાં રહેતા લોકોને સુરક્ષિત સ્થાન પર જવા માટે કહેવામાં આવ્યું છે. ભૂકંપના આંચકા ટોક્યો અને સમગ્ર કાંટો વિસ્તારમાં અનુભવાયા છે. જાપાનમાં માર્ચ 2011માં 9ની તીવ્રતા વાળા વિનાશક ભૂકંપના કારણે મોટી સુનામી આવી હતી. ભૂકંપ બાદ આવેલી સુનામીએ ફુકુશિમા ન્યુક્લિયર પ્લાન્ટને તબાહ કરી નાખ્યો હતો. આ સુનામીને પર્યાવરણના નુકસાનની દ્રષ્ટિએ એક મોટી ઘટના માનવામાં આવી હતી. ત્યારે સમુદ્રમાં ઉઠેલા 10 મીટર ઉંચા મોજાંએ અનેક શહેરોમાં તબાહી મચાવી હતી. તેમાં લગભગ 16 હજાર લોકોના મોત થયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500