સોનગઢના લિંબી ગામના ત્રણ રસ્તા પાસેથી ગેરકાયદેસર રીતે 12 ભેંસો ભરેલી એક ટ્રક ઝડપી પાડી કસુરવારો સામે ગુનો દાખલ કર્યો હતો. મળતી માહિતી અનુસાર તા.11મી સપ્ટેમ્બર ની મોડીરાત્રે સોનગઢ-માંડવી માર્ગ પર આવતું લિંબી ગામના ત્રણ રસ્તા પાસેથી એક ટ્રક નંબર જીજે/24/એક્સ/2003 માં તપાસ દરમિયાન પાટણથી ગેરકાયદેસર રીતે લઇ જવાતી 12 ભેંસો ને ઉકાઈ પોલીસે ઉગારી લીધી હતી.
ટ્રક માં તમામ ભેંસોને ખીચોખીચ ભરી,પશુઓને હલનચલન માટે વાજબી મોકળાશ મળતી ન હોય તેમજ ગેરવાજબી સમય સુધી ભેંસોને ટુકા દોરડા વડે બાંધી,પુરતો ખોરાક અને પાણીની વ્યવસ્થા કે કોઈ પ્રાથમિક સારવારના મેડીકલ સાધનો વગર તથા પશુઓને લઈ જવા માટે કોઈ સક્ષમ અધિકારીના પ્રમાણ પત્ર કે વેટરનરી ઓફિસરના પત્ર વિના ગેરકાયદેસર રીતે માલેગાંવ,મહારાષ્ટ્ર ખાતે કતલ કરવાના હેતુથી હેરાફેરી કરતા હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું.
બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ પ્રેમાભાઈની ફરિયાદના આધારે અહેમદ બાગેખાન બલોચ અને અનવરખાન સિપાહી બંને જણા રહે,સિધ્ધપુર જી.પાટણ વિરુદ્ધ ઉકાઈ પોલીસ મથકે ગુનો દાખલ કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500