તાપી જિલ્લાના હાઈવે માર્ગો ઉપર વિદેશી દારૂ ભરેલા વાહનોની હેરાફેરી ઉપર પોલીસ નજર રાખી રહી છે. ત્યારે જીલ્લા એલસીબી ની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે, મહારાષ્ટ્રના નવાપુરથી સોનગઢ તરફ આવી રહેલા એક ટ્રકમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરેલો છે જે બાતમીના પગલે પોલીસ ટીમે વોચ ગોઠવી હતી અને ટ્રકને ઝડપી પાડી હતી. ટ્રકમાં તપાસ કરતાં વિદેશી દારૂની ૯૫૧૬ બોટલ મળી આવી હતી. પોલીસે ટ્રક ડ્રાઈવરને પકડી ૪૭.૫૮ લાખનો દારૂ અને ટ્રક મળી ૫૭.૭૨ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ દારૂ કયાંથી લવાયો હતો અને ક્યાં લઈ જવાતો હતો તે જાણવા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
રાજયમાં દારૂબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હોય છે. ત્યારે જિલ્લા પોલીસ વડા શ્રીમતી સુજાતા મજમુદાર એ પોલીસને એલર્ટ રહી આવા દારૂ ભરેલા વાહનો પકડવા તાકીદ કરી હતી ત્યારે તાપી એલસીબી ની ટીમ પણ આવો વિદેશી દારૂના જથ્થાને પકડવા માટે દોડધામ કરી રહી છે.
બિનઉપયોગી સુકા નારીયેલ ભરેલ કંતાનના કોથળાઓની આડમાં લઇ જવાતો હતો વિદેશી દારૂ
પીઆઈ ડી.એસ.લાડ અને તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે એક ટ્રક નં.જીજે-૦૮-યુ-૩૧૦૯ માં વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે. જે ટ્રક મહારાષ્ટ્રના નવાપુરથી સોનગઢ તરફ આવવાનો છે. જે બાતમીના પગલે આ પોલીસ ટીમે સોનગઢના નવા આરટીઓ ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી હતી અને બાતમીવાળી ટ્રક આવતાં તેને ઉભી રાખી હતી. ટ્રકમાં તપાસ કરતાં તેની અંદર બિનઉપયોગી નારીયેલ ભરેલ કંતાનના કોથળાઓની આડમાં લઇ જવાતો વિદેશી દારૂની ૯૫૧૬ બોટલ મળી આવી હતી. પોલીસે યુપી ના ટ્રક ડ્રાઈવર અરૂણકુમાર શિવચરણ ગૌતમ ને ઝડપી પાડયો હતો. આ વિદેશી દારૂનો જથ્થો અને ટ્રક મળી કુલ ૫૭,૭૨,૯૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
ટ્રક ડ્રાઈવરની પુછપરછમાં વિગતો બહાર આવી હતી કે, નાસિકના આડગાંવ પાસે ઇન્ડસ્ટ્રીયલ એરિયા ખાતે આવેલ આંબેડકર પાર્કિંગ માંથી વિનોદ યાદવે આ દારૂ ભરી આપયો હતો અને રાજપીપળા ખાતે પહોચાડી દેવાનું કહયું હતું. જેથી પોલીસે આ બે શખ્સો સામે પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. નોંધવું રહેશે કે,તાપી જીલ્લાના ઉચ્છલ અને સોનગઢ હાઈવે ઉપર પોલીસની વોચ વધી જવાના કારણે બુટલેગરો દારૂ પહોંચાડવા માટે આંતરિક માર્ગોનો પણ ઉપયોગ કરી રહયા છે. ત્યારે આંતરિક માર્ગો ઉપર પણ વોચ ગોઠવવામાં આવે તે જરૂરી બન્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500