સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડવાને પગલે ભરૂચ જિલ્લાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લા કલેકટર શ્રી તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે તાલુકા તંત્રના અધિકારીઓ અને પોલીસના અધિકારીઓ અને પોલીસ સ્ટાફ એન. ડી.આર. એફ અને એસ. ડી.આર.એફ ની ટીમો સાથે રવિવારે નદીમાં પાણીનો પ્રવાહ વધતાં સંભવિત અસરગ્રસ્ત ગામડાંઓમાં પહોંચી જઈ નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી મોડી રાત સુધી કરી હતી.
ગઈકાલે મોડી રાત્રે જિલ્લાના સ્થળાંતરની વિગતો જોતા ભરૂચ શહેરના દાંડીયા બજાર, ફુરજા વિસ્તાર,સક્કરપોર, છાપરા, ઉત્તરાજ, શુક્લતિર્થ,મક્કતમપુર, મંગલેશ્વર જેવા વિસ્તારો, અંકલેશ્વર તાલુકાના સરફુર્દીન, સક્કરપોર,બોરભાટા, ઝગડીયા તાલુકાના જુની તરસાલી, સુલ્તાનપુરા, ઉચેડીયા,જુના ટોઠીદરા,જુની જરસાડ, લીમોદરા, હાંસોટ, તાલુકો અને વાગરા તાલુકા મળી કુલ ૬૬૨૫૪ સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યુ હતું.જિલ્લા કલેકટર શ્રી તુષાર સુમેરાએ અસરગ્રસ્ત ગામોને સલામતી અર્થે મોડી રાત સુધી સંબધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડયું હતું. જેને કારણે લોકોને સલામત સ્થળે ખસેડાતા કોઈ જાનહાનિ થઈ નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500