દેશની સરહદો પર તૈનાત જવાનો સત્તા કે સંપતિની નહીં પણ આપણી સુરક્ષાની ચિંતા કરે છે. સૈન્યના જવાનોમાં દેશપ્રેમનો નશો હોય છે માટે જ આપણા દેશની સીમાઓ સુરક્ષિત છે એમ રાજ્યના શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું. જય જવાન નાગરિક સમિતિ સુરત દ્વારા કારગિલ વિજય દિવસ નિમિત્તે વરાછાના સરદાર પટેલ સ્મૃતિ ભવન ખાતે શહિદ થયેલા જવાનોના પરિવારો માટે યોજાયેલ સન્માન સમારોહમાં ઉપસ્થિત મેદનીને સંબોધતા શિક્ષણ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આપણે જ્યાં છીએ ત્યાં દેશના હિતમાં આપણું કર્તવ્ય નિભાવીએ પણ સૈનિકનું કામ છે. પરાક્રમી વૃતિના યુવાનો બનીએ એટલે કે, કોઈને મારવુ કે જગડવું નહી પણ સારા અધિકારી, સારા પોલીસ અને સારો નાગરિક બનવું આ પણ સૈનિકની ભૂમિકા છે. યુવાઓમાં રાષ્ટ્ર અને સમાજના હિત માટે મૂલ્યનિષ્ઠતા અને સત્ય જીવનનો એક રાહ હોવો જોઈએ એમશ્રી મંત્રીશ્રી જણાવ્યું હતું.
DRDOના પૂર્વ ડીરેક્ટર જનરલ અને બ્રહ્મોસ એરોસ્પેસના એમ.ડી. ડૉ.સુધીર કે.મિશ્રાએ મિસાઈલ અને ડીફેન્સ ટેકનોલોજીની માહિતી આપતા જણાવ્યું હતું કે, સમગ્ર દુનિયામાં ડીફેન્સ ટેકનોલોજીમાં ભારત અગ્રેસર થઈ રહ્યું છે. મિસાઈલ સહિત હથિયારોની નિકાસથી ભારત વધુ શક્તિશાળી બનીને ઉભરી રહ્યું છે. ભારતને સશક્ત દેશ બનાવવા સર્જનાત્મક કાર્યમાં આગળ વધવાની જરૂર છે. મારા અત્યાર સુધીના જીવનકાળ દરમિયાન જે જોશ સુરતીઓમાં જોવા મળે છે તે બીજે ક્યાં જોવા નથી મળતો. દેશની સુરક્ષામાં ડીઆરડીઓની મોટી ભૂમિકા રહેલી છે. નોંધનીય છે કે, કારગીલ વિજય દિવસે જય જવાન નાગરિક સમિતિ સુરત દ્વારા ૨૪માં કારગિલ દિવસે કુલ ૧૮ પરિવારોને ૩૪ લાખની સહાય અર્પણ કરાઈ. જેમાંથી ૭ શહીદ જવાનોના પરિવારોને સન્માન સાથે આર્થિક સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.
આ સાથે જેમના પુત્રો આર્મીમાં છે તેવા 3 માતાપિતાને અભિવાદન કરાર્યું હતું. ત્રણેય દિકરીઓને કુસ્તીમાં રાષ્ટ્રીય ચેમ્પિયન બનાવનાર માતા-પિતાનું સન્માન કરાર્યું હતું. આ સમારોહમાં બ્રિગેડીયર બી.એસ. મહેતા, લેફ. કર્નલ મુકેશ રાઠોડ, ઈન્ડિયા આર્મી ઓફિસર કેપ્ટન મીરા સિદ્ધાર્થ દવે, સારથી ફાઉન્ડેશનના સંચાલક અને CRPF.ના શહીદ ડી.આઈ.જી. શૈલેન્દ્રસિંઘના પત્ની ડૉ.સંજુ સિંઘ શૈલેન્દ્ર, લેફ. કર્નલ મુકેશ રાઠોડ, બ્રિગેડીયર બી.એસ. મહેતા, સામાજીક અગ્રણીઓ શૈલેષભાઈ લુખી, જંયતીભાઈ નારોલા, મનહરભાઈ સાસપરા, દિનેશભાઈ સાસપરા, રમણીક ઝાપડીયા, સવજીભાઈ વેકરીયા, હરીભાઈ કથીરિયા, સુરેશભાઈ પટેલ સહિત રાષ્ટ્રપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500