આગામી 1લી ડિસેમ્બરનાં રોજ યોજાનારી સુરત જિલ્લાની 16 વિધાનસભાની ચૂંટણી માટે ફાઇનલ મતદાર યાદી પ્રસિધ્ધ કરાતા નવા 6,779 મતદારો ઉમેરાતા હવે 47.45 લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. આખરી મતદાર યાદીમાં પુરુષ મતદારો 3972 અને સ્ત્રી મતદારોમાં 2806 વધ્યા છે. ફાઇનલ મતદાર યાદીમાં ચોર્યાસીમાં સૌથી વધુ 1400 મતદારો વધ્યા છે. તો કરંજ બેઠક પરથી 50 મતદારો ઘટયા છે. વિધાનસભાની ચૂંટણી માટે લાયક મતદાર મતદાનથી વંચિત નહીં રહી જાય તે માટે ચૂંટણી પંચ દ્વારા સતત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલુ રહે છે.
વિધાનસભાની ચૂંટણી જાહેર થઇ તે પહેલા ચૂંટણી પંચે સુરત જિલ્લાની 16 વિધાનસભા બેઠકની જાહેર કરેલી મતદાર યાદીમાં કુલ મતદારોની સંખ્યા 47.39 લાખની હતી. ત્યાર પછી પણ સતત મતદાર યાદી સુધારણા ચાલુ જ રહી હતી. જેમાં નવા નામો ઉમેરવા કે પછી કમી કરવા કે અન્ય સુધારા-વધારા થયા હતા. આ સુધારણા કાર્યક્રમ બાદ આગામી 1લી ડિસેમ્બરનાં રોજ યોજાનારી ચૂંટણી માટે સુરત જિલ્લાની 16 વિધાનસભાની આખરી મતદાર યાદી પ્રસિધ્ધ કરાઇ છે.
જેમાં ઓકટોબર મહિનામાં નોંધાયેલા કુલ 47.39 લાખ મતદારોમાં 6,779 મતદારો વધીને કુલ 47,45,980 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 25,50,905 પુરૂષ મતદારો અને 21,94,915 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. જયારે અન્ય ઉમેદવારોમાં 159થી એક વધીને 160 થયા છે. નવા વધેલા 6,779 મતદારોમાં સૌથી વધુ ચોર્યાસી બેઠક પર 1400 મતદારોની સંખ્યા વધી છે. જયારે સૌથી ઓછા ઉત્તર બેઠક પરથી 63 મતદારો વધ્યા છે.
સુરત જિલ્લા કલેકટર આયુષ ઓકના જણાવ્યા મુજબ ફાઇનલ મતદાર યાદી પ્રસિધ્ધ કરાઇ છે. જેમાં 6,779 મતદારો વધ્યા છે. આ મતદારો વધ્યા હોવા છતા ચૂંટણી પંચે જે ફાઇનલ 4,623 મતદાન મથકો નક્કી કર્યા છે, તે મતદાન મથકો જ રહેશે. તેમાં કોઇ સુધારા વધારા કરાશે નહીં. આ મતદાર યાદી ફાઇનલ છે. હવે કોઇ પુરવણી કે સુધારા વધારાની મતદાર યાદી આવશે નહીં.
મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં મતદારો એક વિધાનસભામાંથી બીજી વિધાનસભામાં નામો ઉમેરાતા હોવાથી વઘ-ઘટ થતી રહે છે. ઓકટોબર મહિનામાં મતદાર યાદી જાહેર કરાઇ હતી તે વખતે કરંજ બેઠક પર મતદાર યાદીમાં કુલ મતદારોની સંખ્યા 1,76,635 નોંધાઇ હતી અને સુધારા બાદ ફાઇનલ મતદાર યાદી જાહેર થતા 50 મતદારોની સંખ્યા ઘટીને 1,76,585 થઇ ગઇ છે. પુરુષ મતદારોની સંખ્યા 1,01,182 હતી. જેમાં 29 ઘટીને 1,01,153 થઇ છે. જયારે સ્ત્રી મતદારોની સંખ્યા 75,446 હતી જેમાં 21 મતદારો ઘટીને 75,425 થઇ છે. આમ 50 મતદારો ઘટયા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500