ભારતીય ડાક વિભાગની છેલ્લા ૧૫૦ વર્ષોની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવા માટે દર વર્ષે તા.૧૦ ઓકટોબરે ‘રાષ્ટ્રીય ટપાલ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. તેનો ઉદ્દેશ લોકો અને વ્યવસાયોના રોજિંદા વ્યવહારમાં પોસ્ટની ભૂમિકા તેમજ વૈશ્વિક, સામાજિક અને આર્થિક વિકાસમાં તેના યોગદાન પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. તા.૯ ઓક્ટોબરે વિશ્વભરમાં ઉજવાતા વિશ્વ ટપાલ દિવસના ભાગરૂપે ભારતભરમાં તા.૯ થી ૧૩ ઓક્ટોબર દરમિયાન ‘રાષ્ટ્રીય ટપાલ સપ્તાહ’ની પણ ઉજવણી કરવામાં આવે છે. વર્ષ ૧૮૭૪ની ૯મી ઓક્ટોબરના દિવસે યૂનિવર્સલ પોસ્ટલ યૂનિયન (UPU)ની રચના માટે સ્વિટ્ઝરલેન્ડની રાજધાની બર્નમાં ૨૨ દેશોએ એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
જેને ધ્યાને લઈ વર્ષ ૧૯૬૯માં જાપાનના ટોકિયોમાં આયોજિત એક સંમેલનમાં ૯ ઓક્ટોબરને ‘વિશ્વ ટપાલ દિવસ’ ઉજવવાનો નિર્ણય કરાયો હતો. તા.૧ જુલાઈ, ૧૮૭૬માં યુનિવર્સલ પોસ્ટલ યુનિયનનો સભ્ય બનનાર ભારત એશિયાનો પ્રથમ દેશ હતો. સુરતમાં ‘ટપાલ ઘર’: સુરત જિલ્લાની વાત કરીએ તો વર્ષ ૧૯૨૭ની ૧ માર્ચના રોજ મહિધરપુરા ખાતે સૌથી પહેલુ ટપાલ ઘર એટલે કે પ્રથમ પોસ્ટ ઓફિસની શરૂઆત થઈ હતી. જે હાલ સુરત પોસ્ટ વિભાગની હેડ ઓફિસ તરીકે કાર્યરત છે. હાલ સુરત શહેરમાં ૭૯, ગ્રામ્યમાં ૯૫ અને ટ્રાઈબલ વિસ્તારમાં ૬૩ સહિત સુરત જિલ્લામાં કુલ ૨૩૭ ટપાલ ઘર કાર્યરત છે.
સુરત પોસ્ટલ ડિવિઝન હેઠળ કાર્યરત યોજનાઓ:
સુરત જિલ્લામાં પોસ્ટલ વિભાગ હેઠળ ઉપલબ્ધ યોજનાઓમાં રિકરિંગ ડિપોઝિટ સ્કીમમાં ૨.૩૦ લાખ, ટાઈમ ડિપોઝિટના ૧.૫૫ લાખ, કિસાન વિકાસ પત્રના ૪.૨૬ લાખ, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ હેઠળ ૩.૩૦ લાખ અને બચત ખાતામાં ૧.૯૯ લાખ જીવંત ખાતાઓ કાર્યરત છે. જ્યારે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ૮૪ હજાર, મંથલી ઈન્કમ યોજના હેઠળ ૭૪ હજાર, PPFના ૨૭ હજાર, સિનિયર સિટીઝન યોજના હેઠળ ૨૫ હજાર તેમજ ચાલુ વર્ષે અમલમાં આવેલી મહિલા સન્માન સેવિંગ્સ સર્ટિફિકેટ યોજના હેઠળ ૪૫૪૩ જેટલા જીવંત ખાતાઓ છે. આ સિવાય અટલ પેન્શન, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ સહિતની યોજનાઓ પણ સુરત પોસ્ટલ વિભાગ હેઠળ કાર્યરત છે.
‘ટપાલ જીવન વીમા યોજના’ હેઠળ સુરત પોસ્ટ વિભાગ દ્વારા ગત વર્ષ ૨૦૨૨-’૨૩થી અત્યાર સુધી રૂ.૧૫૫ કરોડની કુલ ૨૨૪૬ પોલિસીનો લાભ આપવામાં આવ્યો છે. સોવેરિન ગોલ્ડ બોન્ડ યોજનામાં દેશમાં મોખરે સુરત જિલ્લો: ઉપરોક્ત યોજનાઓ સહિત વર્ષ ૨૦૧૫થી પોસ્ટ વિભાગમાંથી સોવેરિન ગોલ્ડ બોન્ડમા રોકાણનો લાભ પણ આપવામાં આવે છે. જેમાં ન્યૂનતમ ૧ ગ્રામથી મહત્તમ વ્યક્તિદીઠ ૪ કિલો અને સંસ્થાઓ માટે ૨૦ કિલો ગોલ્ડ બોન્ડનું રોકાણ કરવામાં આવે છે. જેમાં વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૪,૮૧૫ ગ્રામ અને ચાલુ વર્ષે અત્યાર સુધી ૧૪,૦૫૨ ગ્રામ રોકાણ નોંધાયું છે. આ યોજનાની શરૂઆતથી અત્યાર સુધી સુરતીઓએ કુલ ૧૨૮ કિલોના ગોલ્ડ બોન્ડના રોકાણ સાથે જિલ્લાએ દેશભરમાં મોખરાનું સ્થાન મેળવ્યુ છે.
સુરત પોસ્ટ ઓફિસથી થયેલા પાર્સલ: સુરત પોસ્ટ વિભાગમાંથી દેશ-વિદેશમાં કરાતા સ્પીડ પોસ્ટ, બિઝનેસ અને રજિસ્ટર્ડ પાર્સલની વાત કરીએ તો ગત વર્ષે સુરતથી ૨૩.૮૮ કરોડના અને ચાલુ વર્ષે અત્યાર સુધી ૩.૭૭ કરોડના પાર્સલોની નોંધણી કરાઈ છે. મહિલા સંચાલિત પોસ્ટ ઓફિસ મહિલા સશક્તિકરણને પ્રાધાન્ય આપતા વર્ષ ૨૦૧૩માં દેશની પ્રથમ મહિલા પોસ્ટ ઓફિસ ખોલવામાં આવી હતી. તેના પગલે સમગ્ર ભારતમાં ૧૧ મહિલા પોસ્ટ ઓફિસની શરૂઆત થઈ, અને વર્ષ ૨૦૧૯ની ૧ જુલાઈથી સુરતના ઝાંપાબજાર ખાતે મહિલા સંચાલિત પ્રથમ પોસ્ટ ઓફિસ શરૂ કરવામાં આવી. પોસ્ટ વિભાગમાં કામ કરતી મહિલાઓને પોસ્ટ વુમન તરીકે સંબોધાય છે.
ભારતમાં પોસ્ટઓફિસની શરૂઆત: ભારતમાં ટપાલનું ચલણ ૧૭૬૬માં શરૂ થયું હતુ. વર્ષ ૧૭૭૩માં વોરેન હેસ્ટિંગ્સ ભારતના ગર્વનર જનરલ બન્યા હતા. તેના બીજા વર્ષે તેમણે કોલકાતામાં દેશના પ્રથમ ટપાલ વિભાગની સ્થાપના કરાવી હતી. ભારતમાં ટપાલ વિભાગે તા.૧ ઓકટોબર, ૧૮૫૪થી એક અલાયદા વિભાગના સ્વરૂપ લીધા બાદ ધીમી ગતિથી તેની શરૂઆત થઈ હતી. નોંધનીય છે કે, ભારતીય ટપાલ વિભાગ વિશ્વમાં સૌથી મોટી પોસ્ટ વ્યવસ્થા છે. બદલાતા સમયની સાથે પોસ્ટ વિભાગની કાર્યપધ્ધતિ પણ આધુનિક બની રહી છે. આજે સમગ્ર દેશભરમાં કાર્યરત ૧,૫૫,૬૧૮ પોસ્ટ ઓફિસો કમ્પ્યુટર સંચાલિત છે અને તમામ ગ્રામીણ પોસ્ટ ઓફિસો આધુનિક એન્ડ્રોઇ ઓપરેટિંગ સિસ્ટમ આધારિત મોબાઈલ ફોન પર પોસ્ટની વિવિધ સેવાઓ પુરી પાડે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application