ગુજરાત વિધાનસભાનું સત્ર હાલ ચાલી રહ્યું છે. ત્યારે આજે વિધાનસબામાં રાજ્ય સરકાર દ્વારા ચોંકાવનારી માહિતી રજૂ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ, વિધાનસભામાં સરકારે સ્વીકાર્યું કે છેલ્લા બે વર્ષમાં કુલ 26 સિંહના અકુદરતી રીતે મોત થયા છે. રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં આ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો કે વર્ષ 2021માં 124 સિંહનું મૃત્યુ થયું છે, જેમાં 13 સિંહ અકુદરતી રીતે મૃત્યુ પામ્યા છે. જ્યારે વર્ષ 2022માં કુલ 111 સિંહોનું મોત થયું છે, જેમાં 13 સિંહના અકુદરતી રીતે મોત નોંધાયા છે.
બે વર્ષમાં 8 બાળસિંહના મોત
મીડિયા અહેવાલ મુજબ, ગુજરાત વિધાનસભામાં રાજ્ય સરકારે રિપોર્ટ રજૂ કરતા જણાવ્યું કે, વર્ષ 2021માં કુલ 32 સિંહોના મૃત્યું નોંધાયા છે, જ્યારે કુલ 31 સિંહણના મોત થયા છે. બાળ સિંહની વાત કરીએ તો 61ના મોત થયા છે. આ સાથે સરકારે સ્વીકાર્યું કે, વર્ષ 2021માં 5 સિંહ, 6 સિંહણ અને 2 સિંહબાળના મોત અકુદરતી રીતે થયા છે. ઉપરાંત, વર્ષ 2022ના આંકડા રજૂ કરતા સરકારે જણાવ્યું હતું કે, કુલ 21 સિંહ પૈકી 3 સિંહ અકુદરતી રીતે મૃત્યું પામ્યા હતા. જ્યારે કુલ 28 સિંહણમાંથી 4 સિંહણના અકુદરતી રીતે મોત થયા હતા. જ્યારે બાળ સિંહમાં કુલ 62નો મોત થયા, જેમાંથી 6 બાળસિંહના અકુદરતી રીતે મોત થયાનું જણાયું હતું.
વર્ષ 2021માં કુલ 179 દીપડાના મોત
મીડિયા રિપોર્ટ મુજબ, આ સાથે સરકારે દીપડાઓના આંકડા પણ વિધાનસભામાં રજૂ કર્યા હતા, જેમાં રિપોર્ટ મુજબ, વર્ષ 2021માં કુલ 179 દીપડાના મોત થયા હતા જે પૈકી 56 દીપડા અકુદરતી રીતે મૃત્યુ પામ્યા હતા. જ્યારે વર્ષ 2022માં કુલ 191 દીપડાઓના મોત થયા હતા, જેમાં 58 દીપડાના મોત અકુદરતી રીતે થયા હતા. કોંગ્રેસના ધારાસભ્યા અર્જુન મોઢવાડિયાએ પૂછેલા પ્રશ્નોના જવાબમાં પર્યાવરણ મંત્રીએ આ માહિતી વિધાનસભામાં રજૂ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500