વોશિંગ્ટન સ્ટેટ યુનિવર્સિટીની સંશોધકોની ટીમ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં રશિયન ચામાચિડિયામાં કોરોના જેવો નવો વાઇરસ શોધી કાઢવામાં આવ્યો છે જેનો માણસોને ચેપ લાગી શકે છે અને કોરોના સામેની તમામ રસીઓનો તે પ્રતિકાર કરી શકે છે. આ ચામાચિડિયાનાં વાઇરસમાં ખોસ્ટા-2 નામના સ્પાઇક પ્રોટીન્સ મળી આવ્યા છે જે માનવકોશમાં ચેપ લગાડી શકે છે. આ વાઇરસ એન્ટીબોડી થેરપી અને બ્લડ સિરમ સારવારને પણ દાદ આપતાં નથી.
જોકે વાઇરસ ચેપ લગાડવા માટે માનવકોશમાં પ્રવેશવા સ્પાઇક પ્રોટીનનો ઉપયોગ કરે છે. બંને વાઇરસ ખોસ્ટા-2 અને સાર્સ કોવ-2 સાર્બેકોવાઇરસ પરિવારના સભ્યો છે. આ અભ્યાસમાં ભાગ લેનાર સંશોધક માઇક લ લેટકોએ જણાવ્યું હતું કે, અમારું સંશોધન દર્શાવે છે કે સાર્બેકોઇવાઇરસીસ એશિયાની બહાર વન્યજીવનમાં પ્રસરેલા છે. ખોસ્ટા-2 વાઇરસ પશ્ચિમ રશિયામાંથી મળી આવ્યો છે. આ વાઇરસ દુનિયાના આરોગ્ય સામે જોખમ સમાન છે.
તેમજ પ્લોસ પેથોજન્સ નામની જર્નલમાં પ્રકાશિત આ અભ્યાસના તારણોમાં સાર્સ કોવ-2 જેવા જાણીતા વેરિઅન્ટ્સ સામે અસરકારક એવી કોરોના રસી બનાવવાને બદલે સાર્બેકોવાઇરસીસ સામે અસરકારક એવી યુનિવર્સલ રસી વિકસાવવા પર ભાર મુકવામાં આવ્યો છે. લેટકોએ જણાવ્યું હતું કે હાલ અમુક જૂથો આ પ્રકારની સાર્બેકોવાઇરસીસ સામે રક્ષણ આપે તેવી રસી વિકસાવવાના કામમાં ખૂંપેલા છે.
જયારે તાજેતરનાં વર્ષોમાં હજારો સાર્બેકોવાઇરસીસ શોધી કાઢવામાં આવ્યા છે. જે મુખ્યત્વે એશિયાના ચામાચિડિયામાં જોવા મળે છે પણ તેમાંના મોટા ભાગનાં માણસોને ચેપ લગાડી શકે તેમ નથી. ખોસ્ટા1 અને ખોસ્ટા-2 વાઇરસીસ 2020નાં અંતભાગે રશિયન ચામાચિડિયામાં મળી આવ્યા હતા. શરૂઆતમાં તે માણસો માટે જોખમકારક ન હોવાનું જણાયું હતું. આ વાઇરસ સાર્સ કોવ-2 જેવા દેખાતા ન હોવાથી કોઇએ તેમના પ્રત્યે ધ્યાન આપવાની દરકાર કરી નહોતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500