ભાવનગરની ખાનગી સ્કૂલના સાયન્સના શિક્ષકને શેરબજારમાં ટ્રેડીંગ કરવાની લાલચ અર્ધો કરોડમાં પડી હતી. સાઈબર ગઠિયાઓએ શિક્ષકને ઓછા રૂપિયે વધુ નફાની લાલચ આપી બાટલીમાં ઉતાર્યા બાદ ૫૩ લાખથી વધુની રકમ પડાવી લઈ વિશ્વાસઘાત-છેતરપિંડી કરી હતી. સાઈબર ફ્રોડની ઘટના અંગે મળતી વિગત અનુસાર શહેરના કાળિયાબીડ, સરદાર પટેલ સંકુલમાં આવેલા સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા અને ધો.૧૧-૧૨માં કેમેસ્ટ્રી શિક્ષક તરીકે નોકરી કરતા ચેતનભાઈ વિનોદભાઈ જોષી (ઉ.વ.૩૮, રહે, મુળ ધારપીપળા, તા.બોટાદ)એ તેમના ફેસબુક પેજ પર ગત તા.૨૮-૪ના રોજ તેમના શેરબજારને લગતી આવેલી જાહેરાતમાં આપેલી લીન્ક મારફત અવેન્ડસ બિઝનેસ સ્કૂલ નામનું વોટ્સએપ ગુ્રપ જોઈન કર્યું હતું.
જેમાં સ્ટોક માર્કેટને લગતા સમાચાર અને ટ્રેડીંગની ટીપ્સ આવતી હોય, થોડા દિવસ પછી ગુ્રપમાં એપ્લીકેશન ડાઉનલોડ કરવાની લીંક આવતા શિક્ષક ચેતનભાઈએ તે આફમેપ નામની એપ્લીકેશન ડાઉનલોડ કરી હતી. ત્યારબાદ ઓટીસી ટ્રેડીંગ વિશે મેસેજ તેમજ ઓછા ભાવે સ્ટોક મેળવી સારો નફો કરવા અને આઈપીઓ લાગશે-નફો થશે તેવું જણાવતા શિક્ષકે તેમાં એકાઉન્ટ બનાવ્યું હતું અને એપ્લીકેશન મારફત સ્ટોક ખરીદી તેમના અને તેમના પિતાના બેન્ક એકાઉન્ટમાંથી કુલ રૂા.૫૩,૯૦,૦૦૦ ટ્રાન્ઝેક્શન કર્યું હતું. દરમિયાનમાં ગત તા.૧૪-૬ના રોજ તેમના પિતાના બેન્ક એકાઉન્ટમાંથી ભેજાબાજ શખ્સોએ રૂા.૮૩,૦૦૦ વીડ્રો કરવા દીધા હતા અને બીજી રકમ ઉપાડવાની રિક્વેસ્ટ કરતા ટેક્સ અને બીજા ચાર્જીના વધુ પૈસા ભરવા પડશે તેમ કહીં વિશ્વાસઘાત-છેતરપિંડી કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500