અમદાવાદ શહેરના પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મીએ થોડા દિવસ પહેલાં વાસણા ખોડિયારનગર ખાતે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. એ અંગે વાસણા પોલીસે મૃતકના સુરેન્દ્રનગર જિલ્લાના સોલડી ગામમાં જ રહેતા તેના જસવંત નામના પ્રેમી સામે ગુનો નોંધ્યો છે. મૃતકનો પ્રેમી તેના પર શંકા રાખીને વીડિયો કોલ કરીને સતત પરેશાન કરતો હતો, જેથી કંટાળીને તેણે અંતિમ પગલું ભર્યાની ચિઠ્ઠી પણ પોલીસને મળી આવી હતી. મૃતકની સુસાઇડ નોટ અને મોબાઇલ ફોનના ડેટાને આધારે વાસણા પોલીસે પ્રેમી સામે કાર્યવાહી કરી છે.
પાલડી પોલીસ સ્ટેશનમાં એલઆરડી તરીકે ફરજ બજાવતી લલિતા પરમારે છ દિવસ પહેલાં વાસણા ખોડિયારનગર ખાતે ભાડાના મકાનમાં ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. આ અંગે વાસણા પોલીસે તપાસ કરતાં પોલીસકર્મીએ સુરેન્દ્રનગરના ધ્રાંગ્રધ્રાના સોલડી ગામમાં રહેતા તેના જસવંત રાઠોડ નામના પ્રેમીના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી હોવાની સામે આવ્યું છે. પોલીસને સ્થળ પરથી એક ચિઠ્ઠી મળી આવી હતી. જે મરતાં પહેલાં મહિલા પોલીસકર્મીએ લખી હતી.
એમાં તેણે ઉલ્લેખ કર્યો હતો કે ગામમાં રહેતા જસંવતના નામનો તેનો પ્રેમી સતત વીડિયો કોલ અને ફોન કરતો હતો અને અન્ય કોઈ સાથે વાત ન કરવા માટે સતત ધમકી આપતો હતો. એટલું જ નહીં, તેને નોકરી છોડવા માટે પણ દબાણ કરતો હતો. જેથી યુવતી કંટાળી ગઇ હતી, જેના કારણે તેણે જીવન ટૂંકાવવાનું નક્કી કર્યું હતું. આ સંદર્ભના કેટલાક પુરાવા તેના મોબાઇલ ફોનમાં હોવાનો ઉલ્લેખ અંતિમ ચિઠ્ઠીમાં કર્યો હતો. આ અંગે પોલીસે મૃતકના ભાઇની ફરિયાદને આધારે જસવંત રાઠોડ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. મૃતક લલિતા પરમારનું પહેલું પોસ્ટિંગ પાલડી ખાતે હતું અને તેણે ગત 18મી ડિસેમ્બરના રોજ નોકરી શરૂ કરી હતી. 20 દિવસ પહેલાં જ તે તેની બહેનપણી સાથે ખોડિયારનગરમાં ભાડેથી રહેવા માટે આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500