ગુજરાતમાં અકસ્માતની ઘટનામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક સુરતમાં અકસ્માતની ગોઝારી ઘટના સામે છે. વરાછા વિસ્તારમાં રાત્રે પુરઝડપે આવતી કારે રોડની બાજુમાં પોતાના વાહનો સાથે બેઠેલા સાત લોકોને અડફેટે લીધા હતા. જેમાં એક બાળક સહિત ત્રણ લોકોના મોત થયા છે અને ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી બેની હાલત ગંભીર છે. મળતી માહિતી અનુસાર, સુરત શહેરનાં મોટા વરાછા વિસ્તારમાં ગતરોજ રાત્રે એક હોન્ડા સિટી કાર પુરપાટ ઝડપે દોડી રહી હતી.
આ દરમિયાન કાર ચાલકે કારના સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને રોડની બાજુમાં બાઈક પર બેઠેલા લોકોને ટક્કર મારી હતી. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય ચાર લોકોને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે, જેમાં એક સગર્ભા મહિલાનો સમાવેશ થાય છે. આ અકસ્માતનો ભોગ બનેલા મૃતકના નામ વિયાન દેવેશભાઈ વાઘાણી (ઉ.વ.6), દેવેશભાઈ વાઘાણી અને સંકેત હિંમતભાઈ વાવડિયા (ઉ.વ.29)નો સમાવેશ થાય છે. જોકે સુરતના ઉત્તરણ પોલીસે આ અકસ્માત સર્જનાર કાર ચાલકની ધરપકડ કરી લીધી છે.
આ અકસ્માતની અંગે ઉત્રાણ પોલીસ સ્ટેશનના પીઆઈ એ.ડી. મહંતે જણાવ્યું હતું કે, 'જિજ્ઞેશ અમૃતલાલ ગોહિલ નામની વ્યક્તિ દ્વારા અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. તે અમરોલીના સ્ટાર ગેલેક્સી છાપરાભાઠા રોડ વરિયાવ વિસ્તારમાં રહે છે. તે અમદાવાદથી પરત ફરીતી વખતે તે સુરતના રિંગ રોડ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન એકાએક ઝોકું આવી જતાં સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને એના કારણે અકસ્માત સર્જાયો હતો. જયારે આ અકસ્માતમાં પુરઝડપે આવતી કારે ક્ષણભરમાં પરિવાર વેરવિખેર કરી નાખ્યો હતો. અકસ્માતમાં છ વર્ષીય વિયાન વાઘાણીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે તેના પિતા દેવેશભાઈ વાઘાણીનું પણ પુત્રના મોતના 11 કલાકમાં મોત નીપજ્યું છે, જ્યારે દેવેશભાઈની સાળી હાલમાં ગંભીર હાલતમાં છે તેવુ જાણવા મળ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500