Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગમાં તારીખ ૧૭ સપ્ટેમ્બરથી તા.૨જી ઓક્ટોબર દરમિયાન 'સ્વાસ્થ્ય સેવા પખવાડા' દરમિયાન શ્રેણીબદ્ધ કાર્યક્રમ યોજાશે

  • September 14, 2023 

'આયુષ્યમાન ભવ પોર્ટલ'નું રાષ્ટ્રીય કક્ષાએ લોન્ચિંગ કરતા રાષ્ટ્રપતિશ્રી દ્રૌપદી મુરમુના કાર્યક્રમની સાથે સાથે, રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં પણ, જિલ્લા પંચાયત પ્રમુખ મંગળભાઈ ગાવિત તથા જિલ્લા કલેકટર મહેશ પટેલે ઉપસ્થિત રહી, તા.૧૭મી સપ્ટેમ્બરથી તા.૨જી ઓક્ટોબર દરમિયાન આયોજિત 'સ્વાસ્થ્ય સેવા પખવાડિયા'ની ભૂમિકા સ્પષ્ટ કરી હતી. આહવા સ્થિત સિવિલ હોસ્પિટલ ખાતે આયોજિત 'આયુષ્યમાન ભવ શુભારંભ કાર્યક્રમ'માં જિલ્લા કક્ષાના મહાનુભાવોએ જિલ્લાના ક્ષયની સારવાર લઈ રહેલા દર્દીઓને દત્તક લેનાર 'નિક્ષય મિત્રો'ને સન્માનિત કર્યા હતા. મહાનુભાવોએ જિલ્લાના આરોગ્યકર્મીઓને પરિણામલક્ષી કાર્ય સાથે, જરૂરિયાતમંદો સુધી સુપેરે આરોગ્ય સેવાઓ પહોંચાડવાની અપીલ કરી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ 'ઓર્ગન ડોનેટ' કરવા અંગેની પ્રતિજ્ઞા સાથે કાર્યારંભ કર્યો હતો.



આહવા ખાતે 'આયુષ્યમાન ભવ:' કાર્યક્રમના શુભારંભ વેળા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી, આર.સી.એચ.ઓ., સિવિલ સર્જન, જિલ્લા ક્ષય અધિકારી સહિતના સ્વાસ્થ્ય સેવા સાથે સંકળાયેલા અધિકારીઓ, કર્મયોગીઓ, સેવાકર્મીઓ, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક, જિલ્લાના જુદા જુદા વિભાગના અધિકારીઓ વિગેરેએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા નિભાવી હતી. દરમિયાન ડાંગ જિલ્લાના ક્ષયદર્દીઓને સ્વયં દત્તક લઈને અન્ય અધિકારીઓ માટે પ્રેરણારૂપ બનેલા કલેકટર, જિલ્લાના એકમેવ 'બાળ નિક્ષય મિત્ર' એવા ધોરણ-૪ (ગીતાંજલી વિદ્યાલય-આહવા)ના વિદ્યાર્થી દેવમ નવનાથ સેલરને પ્રમાણપત્ર એનાયત કરી, જિલ્લાની શાળાના સંસ્કારી બાળકોને દેવમના કાર્યમાંથી પ્રેરણા લેવાની અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે 'આયુષ્માન ભવઃ' કાર્યક્રમ હેઠળ લાભાર્થીઓ સુધી તમામ આરોગ્યલક્ષી યોજનાઓ અસરકારક રીતે પહોંચી શકે તે માટે વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમો યોજાશે.



પ્રજાજનોને આરોગ્યની યોજનાઓથી અવગત કરવા, તેમજ યોજનાઓનો ૧૦૦ ટકા લાભ પહોંચાડવા માટે તા.૧૭મી સપ્ટેમ્બરથી જિલ્લામાં 'આયુષ્માન ભવઃ' અભિયાન હાથ ધરાશે. દરમિયાન તા.૧૭મી સપ્ટેમ્બરથી તા.૨જી ઓક્ટોબર દરમિયાન વિવિધ આરોગ્યને લગતી સેવાઓ જેવા કે આયુષ્માન કાર્ડનો કેમ્પ, રક્તદાન શિબિર સહિત વિવિધ કેમ્પના આયોજનો કરવામાં આવશે. 'આયુષ્યમાન ભવ:' કાર્યક્રમ હેઠળ નિયત કરાયેલા તમામ મુદ્દાઓનું સચોટ અમલીકરણ થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા એક માર્ગદર્શિકા પણ બહાર પાડવામાં આવી છે.



ડાંગ જિલ્લા વહીવટી તંત્ર તેમજ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તમામ યોજનાઓની માહિતી, તેમજ મળવાપાત્ર લાભો લાભાર્થીઓ સુધી પહોંચે, અને એક પણ લાભાર્થી તેનાથી વંચિત ન રહી જાય તે સુનિશ્ચિત કરવામાં આવશે. જિલ્લાના આરોગ્ય વિભાગે 'આયુષ્માન ભવ: સેવા પખવાડા' દરમિયાન આરોગ્યની વિવિધ સેવાઓની પ્રવૃતિઓ સાથે, ગ્રામીણ અને શહેરી વિસ્તારની તમામ જાહેર આરોગ્ય સંસ્થાઓ પર સ્વછતા અભિયાન, ઓર્ગન પ્લેજ ડ્રાઈવ, અને રક્તદાન શિબિર જેવી પ્રવૃત્તિઓ પણ કરવામા આવશે, તેમ પૂરક વિગતો આપતા જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application