ડોલવણમાં ફરી એકવાર ગરીબોનું અનાજ બારોબાર સગેવગે કરવાનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું, જિલ્લામાં સસ્તા અનાજનો વેપલો એ રીતે થઈ રહ્યો છે કે જાણે સરકારે પરવાનેદારોને ભ્રષ્ટાચારની દુકાન ખોલી આપી હોય તેમ શુક્રવારે મળશ્કે બોલેરો પીકઅપ ટેમ્પોમાં ભરી તેમાં લઈ જવાતો સરકારી અનાજનો જથ્થો ગ્રામજનોએ ઝડપી પાડ્યો હતો, જોકે ટેમ્પો માલિક નીતિન રાણા નામનો શખ્સ નાશી છુટ્યો હતો.
મળસ્કે આશરે ૬:૩૦ કલાકના અરસામાં ટેમ્પો ઝડપાયો
પ્રાપ્ત માહિતી મુજબ ડોલવણના કુંભિયા ગામે આવેલા સસ્તા અનાજના પરવાનેદાર નટુભાઈ ઠાકોરભાઈ ચૌધરીની દુકાન માંથી શુક્રવારે મળસ્કે આશરે ૬:૩૦ કલાકના અરસામાં સરકારી અનાજનો જથ્થો ભરતી એક બોલેર પીકઅપ ટેમ્પો નંબર જીજે/૨૧/ડબ્લ્યુ/૦૩૨૫ ને ગ્રામજનોએ ઝડપી પાડી પોલીસ અને પુરવઠા વિભાગના અધિકારીઓને જાણ કરી હતી, બનાવ અંગે જાણ થતા જ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોચી તપાસ હાથ ધરી, તપાસ દરમિયાન ટેમ્પો માંથી ઘઉં-૧૧૦૦, ચોખા- ૧૫૦ તથા તુવેરદાળ- ૪૦ કિલોગ્રામ મળી કુલ રૂપિયા ૪૧,૨૦૫/- નો સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં પરવાનેદાર નટુભાઈ ચૌધરી સંચાલકનો ગોટાળો સામે આવ્યો
બાદમાં સસ્તા અનાજના પરવાનેદાર ત્યાં પણ તપાસ કરતા અનાજના જથ્થામાં વધ જણાઈ આવી હતી, જે પ્રાથમિક તપાસમાં પરવાનેદાર નટુભાઈ ચૌધરી સંચાલકનો ગોટાળો સામે આવ્યો હતો, સસ્તા અનાજની દુકાનમાં પણ તપાસ હાથ ધરવામાં આવતા દુકાનમાંથી ઘઉં-૧,૧૭૫ કિલોગ્રામ, ચોખા-૧૧,૦૬૬.૪૦ કિલોગ્રામ, ખાંડ- ૧,૩૫૩ કિલોગ્રામ, દાળ-૨,૦૯૩ કિલોગ્રામ, મીઠુ- ૫૨૮ કિલોગ્રામ અને કેરોસીન-૧૬૬.૪ કિલોગ્રામ મળી કુલ રૂપિયા ૧૬,૩૮૧/-નો અનાજનો જથ્થો મળી કુલ્લે રૂ.૫૭,૫૮૬/- નો અનાજનો જથ્થો સીઝ કર્યો હતો.
ગામના સરપંચ અને ગ્રામજનોએ સરકારી અનાજ સગેવગે કરવાનો વેપલો ઝડપી પાડ્યો
ગ્રામજનોના જણાવ્યા મુજબ ડોલવણના કુંભિયા ગામે આવેલા સસ્તા અનાજની દુકાનમાંથી મળસ્કે સરકારી અનાજ ભરતી વખતે ગામના સરપંચ અને ગ્રામજનોએ સરકારી અનાજ સગેવગે કરવાનો વેપલો ઝડપી પાડ્યો હતો. જોકે ટેમ્પો માલિક નીતિન રાણા જગ્યા પર ટેમ્પો છોડી નાશી છુટ્યો હતો. બનાવ અંગે પુરવઠા વિભાગએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500