ગાંધીનગર એલ.સી.બી. ટુની ટીમને બાતમી મળી હતી કે, સેક્ટર-25 જી.આઇ.ડી.સી.માં ઇલેક્ટ્રોનીક એસ્ટેટના બંધ ગોડાઉનમાં રાજસ્થાનના બુટલેગર દ્વારા વિદેશી દારૂનો મોટો જથ્થો સંતાડવામાં આવ્યો છે જે બાતમીને પગલે પોલીસ ટીમે દરોડો પાડીને બંધ ગોડાઉનનો તાળું તોડીને તેમાંથી વિદેશી દારૂની 11,892 બોટલ કબ્જે કરી હતી અને રૂપિયા 32.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મળતી માહિતી મુજબ, સેક્ટર-25માં આવેલા જી.આઇ.ડી.સી.નાં ઇલેક્ટ્રોનીક એસ્ટેટમાં બી-221 નંબરના પ્લોટમાં બંધ ગોડાઉનની અંદર રાજસ્થાન જાલોરના દેવારામ દ્વારા તેના સાગરીતો સાથે મળીને મોટો વિદેશી દારૃનો જથ્થો સંતાડવામાં આવ્યો છે.
જે બાતમીને પગલે એલ.સી.બી.ની ટીમે દરોડો પાડયો હતો અને ગોડાઉનમાં શટર ઉપર લોક મારેલા હતા જે તોડીને પોલીસે અંદર પ્રવેશ કરતા અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 481 જેટલી પેટીઓ મળી આવી હતી. જેથી પોલીસે 11,892 જેટલી વિદેશી દારૂની બોટલો કબ્જે કરીને 32.50 લાખ રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કરીને દેવારામ સામે ગુનો દાખલ કરીને તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. એટલુ જ નહીં, આ દારૂ ઉતારવામાં સ્થાનિક બુટલેગરોની સંડોવણી હોવાનું લાગી રહ્યું છે અને પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500