પાનોલી પોલીસે ખરોડ ગામની સીમમાં દર્શન હોટલના કમ્પાઉન્ડ કેમિકલ સગેવગે કરવાનું કૌભાંડ પકડી પાડી એક ટેન્કર ચાલકને રંગેહાથે ઝડપી પાડી કેમિકલનો જથ્થો અને ટેન્કરો મળી કુલ ૧.૯૧ કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતથી અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ ખરોડ ગામની સીમમાં દર્શન હોટલના કમ્પાઉન્ડમાં અલગ અલગ ટ્રાન્સપોર્ટના ટેન્કરોના ચાલકો કેટલાક ટેન્કરોમાં કંપનીએ લગાવેલ સીલના વાલ્વને પાના વડે ખોલી પ્રવાહી પ્લાસ્ટીકના કેરબામાં ભરે છે જેવી બાતમીના આધારે પાનોલી પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસને ટેન્કરોમાંથી કેટલાક ચાલકો પાઈપ વડે પ્લાસ્ટીકના કેરબામાં પ્રવાહી સગેવગે કરતા હોવાનું જણાતા રેડ પાડી હતી.
પોલીસના દરોડાને પગલે કેટલાક ચાલકો ફરાર થઇ ગયા હતા પોલીસે એક ટેન્કર ચાલકને પકડી પાડી તેની પુછપરછ કરતા તે યુપીના કીરતપુર સેલ્હા થાનાનો મંગલસિંગ ત્રિલોકસિંગ હોવાનું જણાવ્યું હતું.પોલીસે તેની વધુ પુછપરછ કરતા તેણે હજીરા અદાણી ખાતેથી મોનોઈથેલીન ગ્લાયકોલનો જથ્થો લઇ દહેજની ફીલાટેક્સ ઇન્ડિયા કંપનીમાં ખાલી કરવા જતો હોવા સાથે ટેન્કરમાંથી કાઢેલ કેમિકલ કારબા દીઠ ૧ હજારમાં ભાગી ગયેલ ટેન્કરોના ચાલકોએ બોલેરો પીકઅપને વેચી મારવાનું પ્લાનિંગ કરી તેને બોલાવ્યો હોવાનું જણાવ્યું હતું.પોલીસે આજુબાજુના ટેન્કરોની તપાસ કરતા તેઓમાંથી પણ પ્રવાહી અલગ અલગ ૧૭ કેરબામાં ભરેલ મળી આવ્યું હતું પોલીસે ૩૬૦ લીટર મોનોઈથેલીન ગ્લાયકોલનો જથ્થો અને વાહનો મળી કુલ ૧.૯૧ કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500