Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આહવા ખાતે વિધાનસભાના નાયબ દંડકની ઉપસ્થિતિમાં ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’ કાર્યક્રમ યોજાયો

  • March 12, 2024 

પ્રાકૃતિક કૃષિ થકી દેશનાં ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ ઉન્ન્ત બને, તથા દેશનો પ્રત્યેક નાગરિક સ્વસ્થ અને તંદુરસ્ત બને, અને પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તેમજ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવતા થાય તે માટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ગુજરાત વિધાનસભાના નાયબ દંડકની ઉપસ્થિતમાં ડાંગ સ્વરાજ આશ્રમ આહવા ખાતે ખાતે "પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રંસગે શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય આપવાની યોજના હેઠળ રાજ્ય સરકાર પ્રતિ માસ રૂપિયા ૯૦૦/- પ્રમાણે ગાય પાલક ખેડૂતને પ્રાકૃતિક કૃષિ કરવાની શરતે ગાય નિભાવ ખર્ચમાં સહાય કરે છે.


જેથી ગાયના છાણ અને ગૌમૂત્ર થકી ઓછા ખર્ચે ખેતી થઈ શકે, ભૂમિની ભેજ સંગ્રહ ક્ષમતા વધે. ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય, નહીવત ઉત્પાદન ખર્ચ થાય, વધારે ભાવ મળે, પાણીની બચત થાય અને પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યનું રક્ષણ, પોષણ અને સંવર્ધન થાય. વર્ષ-૨૦૨૨-૨૩ દરમ્યાન કુલ ૩૦૨૮ ખેડુતોને આ યોજનાનો લાભ અપાયો છે. અત્યાર સુધીમાં આ તમામ ગાય પાલક ખેડુતોને માર્ચ-૨૩ સુધીના ૧૨ મહિનાના કુલ રુપિયા ૩૩૨.૮૫ લાખ રૂપિયાની સહાય ચુકવવામાં આવી છે. વર્ષ-૨૦૨૩-૨૪ દરમ્યાન કુલ ૩૧૪૧ ખેડુતો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. અત્યાર સુધીમાં આ તમામ ગાય પાલક ખેડૂતોને ઓક્ટોબર-૨૪ સુધીના ૬ મહિનાના કુલ રુપિયા ૧૯૧.૫૩ લાખ રૂપિયાની સહાય ચુકવવામાં આવી છે. પ્રાકૃતિક ડાંગ અભિયાનને પરિપુર્ણ કરવા માટે રાજ્ય સરકારે અનેક પગલાઓ લીધા છે.


શરૂઆતના બે વર્ષ દરમ્યાન ખેડુતોને થોડુ પાક ઉત્પાદન ઘટે છે, જેથી ખેડુતને આર્થિક નુકસાન ના થાય તે માટે પ્રતિ હેક્ટર ૫૦૦૦ રૂપિયાની સહાય ખરીફ સીઝનમાં કરવામાં આવે છે, અને તે જ જમીનમાં ફરીથી રવિ કે ઉનાળું પાક લેવામાં આવે તો ફરીથી પ્રતિ હેક્ટર ૫૦૦૦ રૂપિયાની સહાય ખેડુતને તેના બેંક ખાતામાં વળતર સ્વરૂપે ચુકવવામાં આવે છે. બીજા વર્ષે પણ આ ખેડુતોને પ્રતિ હેક્ટર ૩૦૦૦ રૂપિયા સહાય રાજ્ય સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે. વર્ષ ૨૦૨૧-૨૨ દરમ્યાન પ્રથમ વર્ષના ખરીફ અને રવિ સિઝનનાં ૧૩૪૮૦ ખેડુતોને કૂલ રુપિયા ૭૬૦.૪૪ લાખની સહાય ચુકવી દેવામાં આવી છે. વર્ષ ૨૦૨૨-૨૩ ના કુલ ૨૧૨૧ ખેડુતોને ફૂલ રુપિયા ૫૦૮.૪૮ લાખની સહાય તથા રવિ સીઝનના કુલ ૯૦૬૩ ખેડૂતોને રૂપિયા ૧૩૭.૫૫ લાખ મળી કુલ રૂપિયા ૬૪૬.૨૦ લાખની સહાય આપવામાં આવી છે. તેમ માહિતી આપતાં જણાવ્યું હતું.


રાસાયણિક ખાતરો જેવા કે ડીએપી, યુરિયા અને જંતુનાશક દવાઓના વધારે વપરાશથી રાસાયણિક ખેતી કરીને આપણે આપણી પ્રાકૃતિક કૃષિની સમતુલા ખોરવી નાખી છે. રાસાયણિક ખાતરના કારણે કેન્સરની બીમારીઓ ફેલાઈ છે. રાસાયણિક ખાતર જમીન માટે ખુબ જ હાનિકારક છે. ત્યારે ડાંગ જિલ્લાનાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે, જમીનને ફળદ્રુપ બનાવે તે જરૂરી છે. યોજનાઓનો વ્યાપક પણે લાભ લેવા, તેમજ અન્ય લોકોને પણ સરકારી યોજનાની માહિતી આપવા જણાવ્યું હતું. તેમજ ભારપૂર્વક આયુષ્યમાન કાર્ડ મેળવી લેવા ખેડૂતોને અપીલ પણ કરી હતી.


ડાંગની વર્ષોની પાણીની તરસ છીપાવતા રાજ્ય સરકારે ડાંગના ૨૬૯ ગામો માટેની રૂ.૮૬૬ કરોડની તાપી નદી આધારિત પાણી પુરવઠા યોજના મંજુર કરી છે તેમ જણાવી, ડાંગના લોકોને ડેમના નામે ગેરમાર્ગે દોરતા તત્વોને જાકારો આપવા, અને ડાંગના વહી જતા પાણીને નાના અને મધ્યમ કદના ડેમોના નિર્માણથી ડાંગમાં જ રોકી, ડાંગના લોકોની પાણીની જરૂરિયાત સંતોષવાની દિશામાં ડબલ એન્જીન સરકાર કાર્ય કરી રહી છે ત્યારે, પ્રજાજનોના હિત માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી, અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનો અભિગમ સ્પષ્ટ કર્યો હતો. આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી પ્રાકૃતિક ખેતીની સરકારી યોજનાકીય માહિતી આપી હતી. આહવા ખાતે યોજાયેલ "પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ" કાર્યક્રમમાં કૃષિ તજજ્ઞો તેમજ પ્રગતિશીલ ખેડુતોએ પ્રાકૃતિક ખેતીની ઉપયોગીતા અને તેનુ મહત્વ સમજાવ્યુ હતુ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application