સદૈવ વિવાદોમાં જ રહેતી ધ્રાંગધ્રા સબજેલ વધુ એકવાર વિવાદમાં સપડાઈ છે. અહીં જેલમાં પૂરાયેલા એક કેદીએ રીલ બનાવી ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરી તેને પોસ્ટ કરી છે.
સુરેન્દ્રનગર જિલ્લાની ધ્રાંગધ્રા સબજેલ વધુ એકવાર વિવાદના વમળમાં ઘેરાઈ છે. બન્યું એવું છે કે અહીં જેલમાં બંધ પાટડીના એક કેદીએ જેલની અંદરથી રીલનો વીડિયો બનાવ્યો છે અને તેને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી વાયરલ પણ કર્યો છે. આ કેદીની ઓળખ વિશાલ ઠાકોર નામના કેદી તરીકે થઈ છે. જે હત્યાના પ્રયાસ મામલે જેલમાં કેદ છે અને પોતાની સજા કાપી રહ્યો છે.વિશાલ ઠાકોરે જે ગીત પર વીડિયો બનાવી વાયરલ કર્યો છે તેના અક્ષર જેના બાપનો છેડો મજબૂત હોય તેનો દીકરો વાઘ જ થશે અને થોડું માપમાં રહો તો જ સારું રહેશે છે. આ ગીત પર રીલ વિડિયો બનાવી કેદીએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. જેલની અંદરથી કેદીને આવા પ્રકારની સુખસુવિધાઓ મળતા જેલરની કામગીરી સામે મોટા પ્રશ્નો ઉભા થયા છે. એવો આક્ષેપ પણ થઈ રહ્યો છે કે જેલની અંદર કેદીઓ પાસેથી મોટી રકમ પડાવી તેમને તમામ સુખ સાહ્યબીઓ આપવામાં આવે છે. મહત્વનું છે કે આ સિવાય રાજકોટની એક જેલમાંથી પણ કેદીએ રીલ બનાવી હોવાના અહેવાલો સામે આવ્યા છે.
મહત્વનું છે કે ધ્રાંગધ્રા સબ જેલ આ અગાઉ પણ વિવાદોમાં રહેવા પામી છે. લગભગ 2 વર્ષ પહેલા SOG પોલીસના સરપ્રાઈઝ ચેકિંગમાં જેલમાંથી 8 મોબાઇલ ફોન, 8 ચાર્જર, ઇયરફોન અને 53 પાન માવા મળી આવતા ચકચાર મચી જવા પામી હતી અને આ પછી પણ એકવાર DYSP સહિતના પોલીસ સ્ટાફ દ્વારા જેલમાં આકસ્મિક ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન છ નંબરની બેરેકમાંથી મોબાઈલ ફોન અને ચાર્જર સહિતની પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી હતી.આમ સદૈવ વિવાદોમાં રહેલી આ સબજેલ વધુ એકવાર વિવાદોના વમળમાં ઘેરાઈ છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું આ વખતે પણ ખરેખર જેલવિભાગ આ ઘટનાની નોંધ લેશે કે પછી માત્ર ઉપરછલ્લી કાર્યવાહી કરીને જ સંતોષ માનશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500