મનિષા એસ.સુર્યવંશી/તાપી : તાપી પોલીસમાં ફરજ બજાવતા પોલીસકર્મીને અકસ્માત નડ્યો હોવાનો બનાવ કાકરાપાર પોલીસ મથકે દાખલ થયો છે. વ્યારા-માંડવી માર્ગ આવતું રામપુરાનજીક ગામના પાટિયા પાસે બોલેરો અડફેટે બાઈક સવાર પોલીસકર્મીને અકસ્માત નડ્યો હતો,હાલ પોલીસકર્મી સારવાર હેઠળ છે.
મળતી માહિતી મુજબ તાપી જિલ્લાના નિઝર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ સતીષભાઈ સુરેશભાઈ ચૌધરી પરિવાર સાથે પોતાના ઘરે વ્યારાના ચાંપાવાડી ગામના ભાઠી ફળીયામાં રહે છે,તેઓની તબિયત ખરાબ હોય ગત તા.૦૭-૦૯-૨૦૨૩થી શીક રજા ઉપર પોતાના ઘરે જ હતા.દરમિયાન તા.૧૯-૧૦-૨૦૨૩ નારોજ વ્યારા ખાતે પોતાનું કોઈ કુરિયર પાર્સલ લેવાનું હોવાથી બાઈક નંબર જીજે-૨૬-એન-૨૯૩૩ ની લઈને સવારે નિકળ્યા હતા. જોકે વ્યારાના રામપુરાનજીક ગામના પાટિયા પાસે બોલેરો પીકઅપ ટેમ્પો નંબર જીજે-૨૧-ડબ્લ્યુ-૦૩૬૦ના ચાલકે બાઈકને અડફેટે લેતા પોલીસકર્મીને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
આ સમયે ટેમ્પો ચાલક અકસ્માત કરી ટેમ્પો સ્થળ પર મૂકી નાશી છુટ્યો હતો,બનાવની જાણ થતા આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ૧૦૮ પણ સમયસર ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્ત પોલીસકર્મીને સારવાર માટે વ્યારાની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો,વધુ સારવાર માટે સુરતની નવી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.હાલ પોલીસકર્મી સતીષભાઈ ચૌધરીની સારવાર ચાલી રહી છે અને તેમને આઈ.સી.યુ.માં દાખલ કરવામાં આવ્યા છે.
બનાવ અંગે પોલીસકર્મીના પિતા સુરેશભાઈછગાભાઈ ચૌધરીની ફરિયાદના આધારે તા.૨૧-૧૦-૨૦૨૩ નારોજ કાકરાપાર પોલીસે બોલેરો પીકઅપ ટેમ્પોના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500