Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Theft : હીરાનાં કારખાનામાંથી રૂપિયા 3.25 લાખની ચોરી કરનાર મેનેજર સામે પોલીસ ફરિયાદ કરાઈ

  • June 03, 2023 

સુરતનાં વરાછા ગીતાંજલી તપોવન એસ્ટેટ સ્થિત હીરાનાં કારખાનામાં અઢી વર્ષથી નોકરી કરતા મેનેજરે 15 દિવસમાં ટુક્ડે ટુક્ડે હીરાની ચોરી કરી હતી. એક કારીગરે વજનમાં ઘટની ફરિયાદ કર્યા બાદ કારખાનેદારે CCTV ચેક કરતા ચોરીની જાણ થતાં મેનેજરે કેટલાક હીરા પરત કર્યા હતા. જયારે રૂપિયા 3.25 લાખનાં હીરા અંગે ના કહેતા કારખાનેદારે તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ માટે તજવીજ હાથ ધરી હતી.


પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, મૂળ ભાવનગરનાં ગારીયાધારનાં ડમરાળા ગામના વતની અને સુરતમાં સરથાણા જકાતનાકા જીલપાર્ક સોસાયટી મકાન નં.24માં રહેતા 40 વર્ષીય ચેતનભાઇ નારાયણભાઇ ભડીયાદરા વરાછા ગીતાજંલી જીવનધારા હોટલની પાછળ તપોવન એસ્ટેટ પ્લોટ નં.1 થી 9 માં ખોડલ ઈમ્પેક્ષના નામે હીરાનું કારખાનું ધરાવે છે.


તેમના કારખાનામાં 100થી 125 કારીગરો કામ કરે છે અને છેલ્લા અઢી વર્ષથી મેનેજર તરીકે નોકરી કરતો રાકેશ મનસુખભાઇ પરમાર (રહે.જલારામ સોસાયટી,નાનાવરાછા,સુરત., મુળ રહે.રંઘોળા, તા.ઉમરાળા,જિ.ભાવનગર) એસોર્ટમેન્ટ કરેલા હીરાને લોટીંગ કર્યા બાદ સરીન ડીપાર્ટમેન્ટમાં આપતો હતો. ગત 21 એપ્રિલનાં રોજ અન્ય મેનેજર જીતુ લુખીએ કારખાનેદાર ચેતનભાઈને જણાવ્યું હતું કે, સરીન ડીપાર્ટમેન્ટમાં કામ કરતા ચિરાગ નેસડીયાને આગલા દિવસે મેનેજર રાકેશ પરમારે જે હીરા આપ્યા હતાં તેમાં છ કેરેટ વજનની ઘટ છે.


આથી ચેતનભાઈએ CCTV કેમેરા ચેક કર્યા તો તેમાં રાકેશ લોટીંગ કરેલા હીરા ચોરીને લઈ જતો નજરે ચઢ્યો હતો. તેને પૂછતાં તેણે ચોરેલા હીરા ઘરે મૂક્યાની કબૂલાત કરતા કારખાનેદારે તે હીરા મંગાવ્યા તો પેકેટમાં વધારે વજનના હીરા હતા. તે અંગે પૂછતાં રાકેશે વિતેલા 15 દિવસમાં ટુક્ડે ટુક્ડે હીરાની ચોરી કર્યાની કબૂલાત કરી હતી. આથી ચેતનભાઈએ હિસાબ ચેક કરતા કુલ 100.79 કેરેટની ઘટ આવી હતી.


તે પૈકી પાંચ કેરેટના હીરા તેના સસરાના ઘરેથી મળ્યા હતા. રાકેશ પાસેથી મળેલા હીરા બાદ બાકીના રૂપિયા 3.25 લાખનાં 80.09 કેરેટ હીરા અંગે તેણે ફોડ નહીં પાડતા છેવટે ચેતનભાઈએ તેના વિરુદ્ધ ગતરોજ વરાછા પોલીસ મથકમાં નોકર ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ માટે તજવીજ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News