સુરતનાં ડીંડોલી વિસ્તારમાં રહેતી ત્રણ બાળકોની માતા 40 વર્ષીય મહિલાને વિધિ કરવાથી ઘરમાં લક્ષ્મી આવશે અને પૈસાનો વરસાદ થશે તેમ કહી પાડોશીના ઘરમાં એકાંતમાં વિધિના બહાને દુષ્કર્મ કરનાર તાંત્રિકની ડીંડોલી પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ, સુરતના ડીંડોલી વિસ્તારમાં ભાડાના મકાનમાં 40 વર્ષીય પત્ની અને 16થી 18 વર્ષના ત્રણ બાળકો સાથે રહેતા મૂળ રાજસ્થાનના આધેડ ઉધના ખાતે નાસ્તાની લારી ચલાવે છે. આધેડની પત્ની મહિના અગાઉ પાડોશમાં રહેતા માળી દંપતીને ત્યાં મળવા ગઈ હતી.
ત્યારે વાતવાતમાં પડોશી મહિલાને કહ્યું હતું કે, મારા પતિ ગમે તેટલી મહેનત કરે પણ અમારા ઘરમાં કાયમ પૈસાની તંગી રહે છે, અમારા ઘરમાં લક્ષ્મી ટકતી નથી. પાડોશી મહિલાએ તેમના ગુરુ પાસે વિધિ કરાવ્યા બાદ વેપાર સારો ચાલતો હોય કહ્યું હતું કે, અમારા એક ગુરુ છે, જે તાંત્રિક વિધિ કરે છે. જે તમારા ઘરમાં લક્ષ્મીના દરવાજા ખોલી દેશે. આથી રાજસ્થાની મહિલાએ વિધિ માટે હા પાડી હતી. ગત તારીખ 21મી ની બપોરે તાંત્રિક અહેમદ પઠાણ તેના સાગરીતને લઈને પાડોશી મહિલાના ઘરે આવતા રાજસ્થાની મહિલા પતિ અને પુત્ર સાથે ત્યાં ગઈ હતી. તાંત્રિક અહેમદ પઠાણે રાજસ્થાની મહિલાને કહ્યું હતું કે, તમારા હાથમાં લક્ષ્મી બહુ છે તે મેળવવા માટે વિધિ કરી પડશે અને વિધિ એકાંતમાં રૂમમાં કરવી પડશે. રાજસ્થાની મહિલા રૂપિયા મેળવવાની લાલચમાં વિધિ માટે તૈયાર થઈ હતી.
રાજસ્થાની મહિલાએ પતિ અને પુત્રને ત્યાંથી મોકલી આપ્યા બાદ તાંત્રિક તેને રૂમમાં એકાંતમાં લઈ ગયો હતો. તે સમયે પાડોશી દંપતી તેમના ઘરની બહાર કામ કરતું હતું. દરમિયાન રૂમમાં તાંત્રિકે વિધિ કરી રાજસ્થાની મહિલાના શરીરે અત્તર લગાવી લક્ષ્મી મેળવવા માટે એકબીજાના શરીરને સ્પર્શ કરવો પડશે તેમ જણાવી તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. એકાંતમાં વિધિના બહાને દુષ્કર્મ કરતા રાજસ્થાની મહિલા આઘાતમાં સરી ગઈ હતી. જોકે બાદમાં તેણે પતિને વાત કરતા ગતરોજ તાંત્રિક વિરુદ્ધ ડીંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ડીંડોલી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પી.એસ.આઇ. અને ટીમે બાતમીના આધારે તાંત્રિક અહેમદનૂર અલ્લાનૂર પઠાણ (ઉ.વ.56, રહે.ઘર નં.52, ગોવિંદનગર, લીંબાયત, સુરત)નાંને ઝડપી લીધો હતો. રીક્ષા ચાલક અહેમદનૂરની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, તે કોઈ તાંત્રિક વિધિ જાણતો નથી. જોકે કેટલાક લોકોને તેણે ખોટી વિધિ કરી આપતા ફાયદો થતા તેને લોકો બોલાવતા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500