Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સંકલ્પ સપ્તાહને અનુલક્ષીને ભદામ ટેકરા આંગણવાડીમાં પોષણ મેળાની ઉજવણી કરાઈ

  • October 06, 2023 

નર્મદા જિલ્લામાં એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ નાંદોદ અંતર્ગત નાંદોદ આંગણવાડી ઘટક દ્વારા સંકલ્પ સપ્તાહને અનુલક્ષીને તા.૦૪/૧૦/૨૦૨૩ના રોજ સમગ્ર તાલુકાના તમામ આંગણવાડી કેન્દ્રોમાં પોષણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ભદામ ટેકરા આંગણવાડી કેન્દ્ર ખાતે મદદનીશ બાગાયત નિયામક જીગરભાઈ પટેલના અધ્યક્ષસ્થાને પોષણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા મદદનીશ બાગાયત નિયામક જીગરભાઈ પટેલે જણાવ્યું કે, તંદુરસ્ત સમાજના નિર્માણમાં બાળકોની તંદુરસ્તી અતિમહત્વપૂર્ણ છે.



બાળકો સહિત સગર્ભા-ધાત્રી બહેનોએ પણ સારા સ્વાસ્થ્ય માટે શાકભાજી, ફળો, કઠોળ, દુધમાંથી બનતી વસ્તુઓ, પૌષ્ટિક અને પરંપરાગત આહાર આરોગવા અનુરોધ કર્યો હતો. શહેરના ટેરેસ ગાર્ડન કલ્ચરને અપનાવી પોતાના વાળાઓમાં પણ અનેકવિધ શાકભાજી, ફળોના છોડ રોપવા માટે અનુરોધ કરતા જીગરભાઈ પટેલે વધુમાં બાગાયત વિભાગ દ્વારા સ્ટાઈપન્ડ અને પ્રમાણપત્ર સાથેની બે દિવસીય મહિલા તાલીમ અંગે માહિતગાર કરીને બાગાયત વિભાગની યોજનાકીય લાભ લેવા આંગણવાડી કાર્યકર બહેનો સહિતની તમામ બહેનોને જાગૃત કર્યા હતા.



નાંદોદ સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી મોસમબેન પટેલ સહિત યુનિસેફના ડિસ્ટ્રીક્ટ ન્યુટ્રિશન કન્સલ્ટન્ટ પણ આ પ્રસંગે આઈ.સી.ડી.એસ. વિભાગની પોષણસુધા યોજના સહિતની યોજનાની માહિતી આપીને સગર્ભા-ધાત્રી બહેનો તેમજ બાળકોને આંગણવાડી કેન્દ્ર પરથી મળી રહેલા પૌષ્ટિક આહારનો નિયમિત લાભ લઈને તંદુરસ્ત સમાજના નિર્માણમાં પોતાની ભાગીદારી નોંધાવવા સમજ પુરી પાડી હતી. આ પ્રસંગે કાર્યક્રમમાં બે સગર્ભા બહેનોને કંકુનો ચાંદલો કરી શ્રીફળ અને સાકરનો પડો આપીને શ્રીમંત વિધિ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષની ઉજવણી પ્રસંગે સગર્ભા-ધાત્રી બહેનોએ મિલેટ્સમાંથી બનેલી અનેકવિધ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગીઓનું પ્રદર્શન કર્યુ હતુ. જેનો સ્વાદ ઉપસ્થિત અતિથિ વિશેષ સહિતના મહાનુભાવોએ માણ્યો હતો. ઉપરાંત, બાગાયત વિભાગ દ્વારા “અર્બન હોર્ટિકલ્ચર” ઓર્ગેનિક ખાતર, કોકોપીટ, કુંડા અને શાકભાજીના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application