પુણેની 24 વર્ષીય નવવિવાહીત યુવતીનું સેલ્ફી લેતી વખતે પ્રબલગઢ કિલ્લાની ટોચ પરથી લગભગ 200 ફૂટ ઊંડી ખીણમાં પડી જવાથી મોત થયું હતું. ઘટના અંગે પનવેલ પોલીસે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો છે. મૃતક મહિલાની ઓળખ પુણેના દત્તવાડીની રહેવાસી શુભાંગી પટેલ તરીકે થઈ છે. શુભાંગી અને વિનાયક પટેલ (ઉ.વ.27)નાં તારીખ 8 ડિસેમ્બરે લગ્ન થયા હતાં. તેથી બંને આ કિલ્લા પર પ્રવાસ માટે આવ્યા હતા. જેમાં કિલ્લાની ટોચ પરથી સેલ્ફી લેતી વખતે આ ઘટના બની હતી, એમ પનવેલ પોલીસના એક સિનીયર ઈન્સ્પેક્ટરે જણાવ્યું હતું. મળતી માહિતી મુજબ, આ દંપતી લગ્ન બાદ બુધવારે તેમના હનીમુન માટે લોનાવાલા જવા નીકળ્યું હતું અને ગુરુવારે સવારે દંપતી ટ્રેકિંગ માટે પ્રબલગઢ કિલ્લા પર ગયા હતા.
જ્યાં બપોરે 2.30 વાગ્યાની આસપાસ કિલ્લાના શિખરે પહોંચ્યા પછી શુભાંગીએ કિલ્લાની ટોચની કિનારે ઉભા રહીને સેલ્ફી લેવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ તેનું સંતુલન ગુમાવતાં આકસ્મિક રીતે લપસી પડી તે નીચે પટકાઈ હતી, એમ તેના પતિએ જણાવ્યું હતું. આ ઘટના બનતાં વિનાયકે તરત જ પનવેલ તાલુકાની પોલીસને જાણ કરી હતી. આ ઘટના બનતાં કિલ્લાના કેટલાક ટ્રેકર્સ અને સ્થાનિક એનજીઓ, પર્યાવરણપ્રેમીઓ વગેરેના દોરડા અને સલામતી સાધનોની મદદથી રેસક્યુ ટીમ 200 ફૂટ ઊંડી ખીણમાં પહોંચી હતી. જ્યાં શુભાંગી તેના શરીર પર અનેક ઈજાઓ સાથે મળી આવી હતી. તેને તાત્કાલિક પનવેલ સબ-ડિસ્ટ્રીક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં માથામાં ગંભીર ઈજાને કારણે ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.
હાલ શુભાંગીનો મૃતદેહ તેના પરિવારને સોંપવામાં આવ્યો છે, પરિવારને આમાં કોઈ અયોગ્ય રમતની શંકા નહોતી લાગી. તેથી પ્રાથમિક દ્રષ્ટિએ, પોલીસે આ મામલે અકસ્માત મૃત્યુનો કેસ નોંધ્યો હતો. આ ઘટનાની હાલ વધુ તપાસ ચાલું છે, એમ વધુમાં સિનીયર પોલીસ ઈન્સ્પેક્ટરે જણાવ્યું હતું. પ્રબલગઢ કિલ્લો મહારાષ્ટ્રના પશ્વિમ ઘાટમાં રાયગઢ જિલ્લામાં માથેરાન અને પનવેલ વચ્ચે લગભગ 2300 ફુટની ઊંચાઈએ આવેલો છે. કિલ્લા તરફ જતી સીડીઓ ડુંગરની શિલાને કાપીને બનાવવામાં આવી હતી. કિલ્લા પર ચડતા ટ્રેકર્સ માટે બાજુ પર કોઈ સલામતી રેલિંગ નથી અને દિવાલ પર કોઈ દોરડા પણ નથી, એમ પોલીસે વધુમાં કહ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500