વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને ભારત વિકાસ પરિષદ-ગુજરાત (સાઉથ પ્રાંત)ના સંયુક્ત ઉપક્રમે નર્મદ યુનિવર્સિટીના કોમ્પ્યુટર સાયન્સ વિભાગ સભાખંડમાં વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ખાતે જી20 પ્રેસિડેન્સી અંતર્ગત ‘એન્વાયરમેન્ટ: ધ કી ટુ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ’ વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય કક્ષાનો સેમિનાર યોજાયો હતો. આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પર્યાવરણ જાળવણી પર પૂરતું ફોકસ આપી શકાય એ માટે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૯માં ગુજરાતમાં ક્લાઈમેટ ચેન્જ વિભાગ શરૂ કર્યો હતો જે તેમની દીર્ઘદ્રષ્ટિપૂર્ણ નેતૃત્વની સાબિતી પૂરી પાડે છે. ગુજરાત પણ વડાપ્રધાનશ્રીના પર્યાવરણની જાળવણીના સંકલ્પને પાર પાડવામા સંપૂર્ણ યોગદાન આપવા સજ્જ છે એવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા મંત્રીશ્રીએ ઉમેર્યું કે, રાજ્યના જાગૃત્ત નાગરિકો, પર્યાવરણપ્રેમી ઉદ્યોગકારોના સહયોગથી ગુજરાત પર્યાવરણ સંરક્ષણ સાથે ઔદ્યોગિક વિકાસમાં અગ્રેસર રહ્યું છે.
દેશમાં પ્રત્યેક નાગરિક વર્ષમાં ૧૧૭૩ યુનિટ વીજળી વપરાશ કરે છે, જ્યારે ગુજરાતમાં પ્રતિ નાગરિક દીઠ વીજ વપરાશ ૨૨૬૦ યુનિટ છે. જે રાજ્યના સર્વાંગી વિકાસ અને વધેલી વીજ માંગની પ્રતીતિ કરાવે છે. ગુજરાત રાજ્ય સોલર રૂફ ટોપ પ્લાન્ટસ સ્થાપી પુન:પ્રાપ્ય ઉર્જા ઉત્પાદનમાં દેશમાં પ્રથમ ક્રમે છે. સૌને જળ, જમીન, હવા શુદ્ધ રાખી પર્યાવરણ જાળવવાનો સામૂહિક સંકલ્પ લેવાનો અનુરોધ કરતા મંત્રીશ્રીએ કહ્યું કે, પૃથ્વી પર માનવી સહિત દરેક પ્રાણી, પક્ષી, જીવજંતુઓના જીવન જીવવાના અધિકારને સુરક્ષિત રાખીને પૃથ્વીને શક્ય તેટલું ઓછું નુકસાન થાય તેવું સામાજિક જવાબદારીપૂર્ણ વર્તન કરીએ. સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના પૂર્વ ચેરમેન આદર્શ ગોયલે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પર ભાર મૂકતા જણાવ્યું કે, કચરાનું યોગ્ય વ્યવસ્થાપન કરવું એ નાગરિકોના આરોગ્ય માટે ખૂબ જરૂરી છે.
ભીના અને સૂકા કચરાના વર્ગીકરણ કરવાથી પણ પર્યાવરણની મોટી સેવા થઈ ગણાશે. સ્વચ્છ ભારત અભિયાને દેશના નાગરિકોને સ્વચ્છતા અને સામૂહિક આરોગ્યનું મહત્વ સમજાવ્યું છે, ત્યારે પ્રત્યેક દેશવાસીએ સ્વચ્છતાને ટેવ બનાવી સ્વચ્છ અને સ્વસ્થ ભારતના નિર્માણમાં સહભાગી બનવાની પ્રેરણા આ ઝુંબેશથી મેળવવી જોઈએ. નર્મદ યુનિ.ના કુલપતિશ્રી ડો.કે.એન.ચાવડાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું કે, પર્યાવરણના જતન અને સંવર્ધન માટે નર્મદ યુનિવર્સિટી પરિસરમાં સાત હજાર વૃક્ષો વાવવામાં આવ્યા છે. યુનિ.ના વિદ્યાર્થીઓએ આ વૃક્ષો વાવવા સાથે તેને ઉછેરવા સંકલ્પબદ્ધ થયા છે. આગામી સમયમાં કુલ ૨૫ હજાર વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક છે. આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ-ગુજરાત (સાઉથ પ્રાંત)ના પ્રમુખશ્રી હિતેષ અગ્રવાલ, રાષ્ટ્રીય સંગઠન સચિવશ્રી સુરેશ જૈન, યુનિ.ના રજિસ્ટ્રાર આર.સી.ગઢવી, યુનિવર્સિટીના પદાધિકારીઓ અને વિવિધ વિભાગોના વડાઓ, વિદ્યાર્થીઓ અને પર્યાવરણપ્રેમી શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500