વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી તા.૨૦/૧૦/૨૦૨૨નાં રોજ તાપી જિલ્લાના મોજે.ગુણસદા તા.સોનગઢ ખાતે પધારનાર છે. આ કાર્યક્રમના સુચારૂ આયોજન માટે જિલ્લા કલેકટના વડપણ હેઠળ સભાખંડ ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે તાજેતરમાં બેઠક યોજાઈ હત. આ બેઠકમાં જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયાએ ઉચ્ચ અધિકારીઓને જણાવ્યું હતુ કે, માન.વડાપ્રધાનશ્રીનો કાર્યક્રમ તાપી જિલ્લામાં ઘણા સમય પછી થઇ રહ્યો છે, ત્યારે આપણા બધાની સંયુક્ત જવાબદારી બને છે કે સુવ્યવસ્થિત ભવ્ય સફળતા સાથે આ કાર્યક્રમ પૂર્ણ કરીએ.
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનો તાપી જિલ્લા ખાતેનો કાર્યક્રમ ગરિમાપૂર્ણ અને આયોજનબદ્ધ રીતે થાય એ માટે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા વિવિધ સમિતિઓની રચના કરીને અધિકારી-કર્મચારીઓને કામગીરી સોંપવામાં આવી છે. કલેક્ટરશ્રીએ વિવિધ સમિતિના અધ્યક્ષ અને સભ્યો સાથે તેમને સુપ્રત કરેલ કામગીરીની બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરી હતી તથા તમામ અધિકારીઓને તેમને સોંપવામાં આવેલ જવાબદારી પૂરતી કાળજી અને તકેદારીપૂર્વક નિભાવવા સૂચન કર્યું હતું.
બેઠકમાં જિલ્લા કલેકટર તથા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા વડાપ્રધાનશ્રીના કાર્યક્રમને અનુલક્ષીને વિવિધ સમિતિઓના નોડલ અધિકારીઓને કામગીરી અંગે રચનાત્મક સૂચનો કર્યા હતા. જેમાં વડાપ્રધાનશ્રીના કાર્યક્રમના સુચારૂ આયોજન અર્થે મંડપ, પાર્કિંગ અને વ્યવસ્થા કમિટી, સંકલન, પ્રોટોકોલ, સ્ટેજ વ્યવસ્થાપન, સ્વાગત, સ્વચ્છતા, ટ્રાન્સપોર્ટેશન, ફાયર સેફ્ટી અને સ્ટેબેલીટી, ભોજન વ્યવસ્થા, મિડિયા અને પ્રસારણ, કંટ્રોલરૂમ જેવી 20 જેટલી સમિતિઓની રચના કરી નોડલ અધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે.
જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, લાભાર્થીઓને લાવવા-લઈ જવાની વ્યવસ્થા સાથે હેલ્પડેસ્ક સેન્ટર પણ કાર્યરત થાય જેથી લાભાર્થીઓને મુશ્કેલી પડે નહીં તે મુજબની કામગીરી કરવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રીના હસ્તે થનાર લોકાર્પણ, ખાત મુહુર્તના કામોની વિગતો અંગે, તમામ કામોની સંક્ષિપ્ત યાદી તૈયાર કરવા અંગે ઉપસ્થિત અધિકારિઓને જણાવ્યું હતું. આમ ભારતના પ્રધાનમંત્રીશ્રી તાપીની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે કાર્યક્રમને ગરિમાપૂર્ણ બનાવવા માટે તાપી જિલ્લા વહીવટીતંત્રએ તૈયારીઓ આરંભી દીધી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500