આગામી તા.૨૧મી જુન આંતરરાષ્ટ્રીય યોગદિનની ઉજવણી સંદર્ભે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્ર સચિવશ્રી અશ્વિનીકુમારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિની દેન સમા યોગદિનની વિશ્વભરમાં ૨૧મી જુન ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે નવમા યોગ દિવસને સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ’ના નારા સાથે 'વસુદેવ કુટુંબકમ માટે યોગ અને હર ઘરના આંગણે યોગ'ની થીમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે. રાજ્ય સરકાર દ્વારા પણ રાજ્યભરમાં યોગ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
તેમણે કહ્યું હતું કે, તા.૨૧મી જુન આંતરરાષ્ટ્રીય યોગદિનની રાજયકક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સુરત ખાતે થશે. જેમાં શહેરીજનોને મોટી સંખ્યામાં જોડાવા લેવાનો અનુરોધ કર્યો હતો. યોગદિનમાં સવારે ૬.૦૦ થી ૮.૦૦ વાગ્યા દરમિયાન ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષ સંઘવી સહિત અંદાજે ૧.૨૫ લાખથી વધુ લોકો એક સાથે યોગ કરીને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરશે. આ અવસરે સુરત શહેર પોલીસ કમિશનરશ્રી અજયકુમાર તોમરે જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિની દેન સમા યોગદિવસની આંતરરાષ્ટ્રીય ઉજવણી સમગ્ર વિશ્વ કરી રહ્યું છે ત્યારે સુરત ખાતે ૧.૨૫ લાખથી વધુ નાગરિકો યોગદિનમાં જોડાશે.
મગદલ્લા વાય જંકશનથી પાર્લે પોઈન્ટ સુધી તથા વાય જંકશનથી બ્રેડલાઇન સર્કલથી ગાંધીકુટિર સુધી ૧૨ કિ.મી.ના રસ્તા પર ૧.૨૫ લાખ લોકો યોગદિનના કાર્યક્રમમાં જોડાશે. જેમાં ૧૨૫ જેટલા બ્લોક બનાવવામાં આવ્યા છે. દરેક બ્લોકમાં ૧૦૦૦ લોકો યોગ કરી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. એક બ્લોકમાં એલ.ઈ.ડી. સ્ક્રીન, સ્ટેજ પરથી યોગ ટ્રેનર નિદર્શન કરશે. લોકોને કોઈ અગવડ ન પડે તે માટે નજીક પાર્કિંગ સહિતની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી હોવાનું તેમણે કહ્યું હતું. મ્યુનિસિપલ કમિશનરશ્રીમતી શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, આગામી ૨૧મી જુન યોગદિનની રાજયકક્ષાની ઉજવણી સુરત ખાતે થનાર છે જે શહેર માટે ગૌરવપુર્ણ વાત છે.
કમિશનરએ યોગદિનની ઉજવણીમાં સૌ નાગરિકોને જોડાવા માટે https://suratidy2023.in લિંક પર રજીસ્ટ્રેશન કરવાની અપીલ કરી હતી. આજદિન સુધીમાં ૨૬૦૦૦ લોકોએ રજીસ્ટ્રેશન કર્યું છે. યોગદિનના કાર્યક્રમમાં શાળા-કોલેજો, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, ઔદ્યોગિક એસોસિએશનો, પતંજલિ, બ્રહ્માકુમારી, આર્ટ ઓફ લિવિંગ, ડોકટર એસોસિએશનો, ગાયત્રી પરિવાર તથા અન્ય શહેરીજનો મોટી સંખ્યામાં જોડાશે તેવી વિગતો તેમણે આપી હતી. નોંધનીય છે કે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંગેના ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ જયપુર શહેરનો છે જેમાં ૧.૦૯ લાખ લોકોએ એક સાથે યોગ કરીને વર્લ્ડ રેકોર્ડ કર્યો હતો, ત્યારે હવે સુરત ખાતે ૧.૨૫ લાખથી વધુ લોકો યોગ કરીને આ નવો વર્લ્ડ રેકોર્ડ બનાવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500