સમગ્ર રાજયમાં વર્તમાન સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતા “સૌનો સાથ સૌનો વિકાસ” કાર્યક્રમની ઉજવણી કરવામાં આવનાર છે. ભરૂચ જિલ્લામાં આ કાર્યક્રમના આયોજન અંગે કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેકટર ડૉ. એમ.ડી.મોડિયાના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
બેઠકમાં કલેકટરએ તા.૦૧/૦૮/૨૦૨૧ થી તા.૦૯/૦૮/૨૦૨૧ દરમ્યાન રાજય સરકારના પાંચ વર્ષની ઉજવણી અંગેના કાર્યક્રમની વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે આગામી તા.૧લી ઓગષ્ટના રોજ ‘જ્ઞાનશક્તિ દિવસ’ અંતર્ગત શિક્ષણને લગતા કાર્યક્રમોનું આયોજન કરવાનું રહેશે. તે જ રીતે ૨જી ઓગષ્ટ સેવા સેતુ કાર્યક્રમના આયોજન થકી ‘સંવેદના દિવસ’ અંતર્ગત વિવિધ જનહિતકારી યોજનાઓના દસ્તાવેજો નાગરિકોને સરળતાથી મળી રહે તે પ્રકારના કાર્યક્રમો કરાશે. તા.૪થી ઓગષ્ટે રાજ્યની મહિલાઓના સન્માન તથા ઉત્કર્ષના હેતુસર મહિલાઓ સાથે સંકળાયેલા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી ‘નારી ગૌરવ દિવસ’ નિમિત્તે મહિલાલક્ષી કાર્યક્રમો કરાશે. તા.૫મી ઓગસ્ટે સમગ્ર રાજયમાં કિસાન સૂર્યોદય યોજના ‘સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના’ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજીને ‘કિસાન સન્માન દિવસ’ ના કાર્યક્રમો યોજાશે. તા.૬ઠી ઓગસ્ટે ‘રોજગાર દિવસ’ અંતર્ગત રોજગારીની તકો અંગેના કાર્યકમોની ઉજવણી થશે. તા.૭મી ઓગસ્ટે ‘વિકાસ દિવસ’ અને તા.૮મી ઓગસ્ટે ‘શહેરી જન સુખાકારી દિન’ ઉજવણી કરાશે. તે જ રીતે તા.૯મી ઓગસ્ટે ‘વિશ્વ આદિવાસી દિવસ’ નિમિત્તે આદિવાસી વિસ્તારોમાં વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમો યોજવામાં આવશે.
કલેકટરશ્રીએ “ સૌનો સાથ સૌનો વિકાસ ” કાર્યક્રમની ઉજવણી સંદર્ભે બેઠકમાં ઉપસ્થિત અધિકારીગણને ઉપયોગી માર્ગદર્શન પુરું પાડી જે તે વિભાગોને જે તે દિવસની ઉજવણી અંતર્ગત કરવાના થતા વિવિધ લોકોપયોગી કાર્યક્રમોનું આયોજન વર્તમાન કોરોનાના સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને રાખીને તમામ કોવિડ પ્રોટોકોલ અને નીતિ નિયમોનું ચુસ્ત પાલન કરી કરવાનું રહેશે તેમ જણાવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500