સુરતમાં BSNL દ્વારા - ભારત સંચાર નિગમ લિ. દ્વારા દૂરસંચાર ભવન, ઘોડદોડ રોડ ખાતે સુરત, ભરૂચ, વલસાડ, તાપી, નર્મદા, ડાંગ, નવસારી અને દમણ અને સેલવાસની પ્રથમ સંયુક્ત ટેલિકોમ એડવાઈઝરી કમિટી (BSNL સુરત બિઝનેસ સેક્ટર)ની બેઠક સમિતિના અધ્યક્ષ અને સાંસદ પ્રભુભાઈ વસાવાના વડપણ હેઠળ યોજાઈ હતી. પ્રભુભાઈ વસાવાએ પ્રથમવાર સંયુક્ત બેઠક યોજવા બદલ ખુશી વ્યક્ત કરતા BSNL દ્વારા પૂરી પાડવામાં આવતી આધાર કાર્ડ સેવાને લોકપ્રિય બનાવવા પર ભાર મૂક્યો હતો, અને ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારોમાં આધાર શિબિરો યોજવા સૂચન કર્યું હતું.
તેઓ BSNLની 'ભારત ફાઈબર'ની ઉત્તમ સેવાથી પ્રભાવિત થયા હતા અને ફાઈબર કનેક્શનની ઉચ્ચ ગુણવત્તા અને ઓછા ટેરિફની પ્રશંસા કરીને ગ્રામીણ વિસ્તારોમાં મોબાઈલ કવરેજની આવશ્યકતા અંગે વિગતો આપી હતી. અત્રે નોંધનીય છે કે, કોઈપણ ઓપરેટરનું કવરેજ ન હોય એવા વિસ્તારમાં BSNL દ્વારા USOF 4G સેચ્યુરેશન પ્રોજેક્ટ હેઠળ 4G ટાવર ઈન્સ્ટોલ કરાશે આ પ્રોજેક્ટ હેઠળ, BSNL ભારતમાં ઉત્પાદિત 4G ટાવર દ્વારા ગુણવત્તાયુક્ત નેટવર્ક પૂરૂ પાડશે, જેની પ્રભુભાઈ વસાવાએ સરાહના કરી હતી.
આ પ્રોજેક્ટ અંતર્ગત સુરતના બિઝનેસ એરિયામાં કુલ ૩૭૦ મોબાઈલ ટાવર લગાવવામાં આવશે. આ USOF પ્રોજેક્ટ સુરક્ષા અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ સાબિત થશે. વલસાડના સાંસદ અને સમિતિના ઉપાધ્યક્ષ ડો.કે.સી.પટેલે વલસાડ અને ડાંગના ગ્રામ્ય વિસ્તારોમાં મોબાઈલ કવરેજની સમસ્યાઓ અંગે જણાવ્યું હતું. તેમણે નવા મોબાઈલ ટાવર માટે જરૂરી જમીન સંપાદન અને તમામ જરૂરી મદદની ખાતરી આપી હતી. આ માટે તેમણે અન્ય સરકારી વિભાગો સાથે સંકલન કરવાની ખાતરી આપી હતી અને આહવામાં આયોજિત 'દિશા' બેઠકમાં પ્રિન્સિપાલ જનરલ મેનેજરને આમંત્રણ આપ્યું હતું.
સુરત બિઝનેસ એરિયાના પ્રિન્સિપલ જનરલ મેનેજર સંજીવ સિંઘવીએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા. સંજીવ સિંઘવીએ સુરત બિઝનેસ ઝોનના કેન્દ્ર સરકારના USOF 4G પ્રોજેક્ટ વિશે વિગતવાર સમજ આપી હતી. તેમણે કહ્યું કે, આધાર સેવાથી સુરત ટેલિકોમ જિલ્લાને પ્રાપ્ત થયેલી આવક ગુજરાતમાં સૌથી વધુ છે. બેઠકમાં ફાઈબર કનેક્શન એટલે કે FTTH (ફાઈબર ટુ ધ હોમ)ની ઉપયોગિતા વર્ણવતા સમગ્ર ગુજરાતમાં ફાઈબર કનેક્શનનો સૌથી વધુ વૃદ્ધિ દર સુરતમાં છે એમ જણાવી પ્રિન્સિપાલ જનરલ મેનેજર સંજીવ સિંઘવીએ BSNLના TIP મોડલની ચર્ચા કરી હતી.
બેઠકમાં ઉપસ્થિત સભ્યોએ સમસ્યાઓ જણાવી અને મહત્વના સૂચનો કર્યા હતા. ટેલિકોમ સલાહકાર સમિતિના સભ્યો અને બીએસએનએલના અધિકારીઓ ગ્રાહકોને ઉત્તમ સેવા આપવા માટે સાથે મળીને કામ કરશે એવા નિષ્કર્ષ પર સૌ સર્વસંમત થયા હતા. બેઠકમાં ઉપસ્થિત સભ્ય અને ભારતીય સેનામાં સેવા આપી ચૂકેલા ખુશાલભાઈ જીવલુભાઈ વાધુનું શાલ ઓઢાડી સન્માન કરાયુ હતું. બેઠકમાં ટેલિકોમ સલાહકાર સમિતિના અન્ય ૧૧ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500