મહારાષ્ટ્ર વિકાસ આઘાડી (MVA)એ છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન અને મહારાષ્ટ્ર-કર્ણાટક સરહદ વિવાદને લઈને એકનાથ શિંદે સરકાર વિરુદ્ધ તા.17 ડિસેમ્બરે મુંબઈમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનનું એલાન કર્યું છે. આ ઉપરાંત MVA મહારાષ્ટ્રનાં રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીનાં રાજીનામાની પણ માંગ કરી રહ્યું છે. MVAએ મહારાષ્ટ્રનાં રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીને છત્રપતિ શિવાજી મહારાજ પરની વિવાદાસ્પદ ટિપ્પણી બદલ હટાવવાની પણ માંગ કરી છે. જોકે સોમવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, તા.17 ડિસેમ્બરે અમે વર્તમાન રાજ્ય સરકાર વિરુદ્ધ મુંબઈનાં જીજામાતા ઉદ્યાનથી આઝાદ મેદાન સુધી રેલી કાઢીશું અને મહારાષ્ટ્રનાં રાજ્યપાલને હટાવવાની માંગ કરીશું.
મહારાષ્ટ્રનાં પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ લોકોને અપીલ કરી છે કે, રાજ્યને પ્રેમ કરનારાઓએ મહારાષ્ટ્રનું અપમાન કરનારાઓ સામે એક થવાની જરૂર છે. ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્ર-કર્ણાટક સરહદ મુદ્દે પણ રાજ્ય સરકારને આડે હાથ લીધી હતી. સરકાર પર પ્રહાર કરતાં ઠાકરેએ કહ્યું કે, કર્ણાટક અમારા વિસ્તારો, ગામડાઓ અને જાથ, સોલાપુર માટે પણ પૂછી રહ્યું છે. શું તેઓ અમારા પંઢરપુર વિઠોબાને પણ પૂછશે,, આનાથી એક સવાલ ઉભો થાય છે-શું મહારાષ્ટ્રમાં કોઈ સરકાર છે? તા.19 નવેમ્બરનાં રોજ મહારાષ્ટ્રનાં રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીએ ઔરંગાબાદમાં ડો.બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટીમાં એક કાર્યક્રમ દરમિયાન છત્રપતિ શિવાજી મહારાજને 'જૂના આઈકોન' કહ્યા બાદ રાજ્યમાં વિવાદ સર્જાયો હતો. આ નિવેદન બાદ ભારે હોબાળો થયો હતો અને મરાઠા સંગઠનો અને વિપક્ષી નેતાઓ તરફથી ઘણી નિંદા થઈ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500