પૃથ્વીનાં સૌથી ઠંડાગાર અને વિશાળ બરફીલા ખંડ એન્ટાર્કટિકામાં 1,550 ચોરસ કિલોમીટર (600 ચોરસ માઇલ)ની બરફની વિરાટકાય પાટ તેની મુખ્ય છાજલી (આઇસ શેલ્ફ)માંથી છૂટી પડી ગઇ હોવાના ચિંતાજનક સમાચાર વહેતા થયા છે. 1,550 ચોરસ કિલોમીટરની બરફની આ મહામોટી પાટ 2013ની 22, જાન્યુઆરી, રવિવારે તેની મુખ્ય બ્રન્ટ આઇસ શેલ્ફમાંથી છૂટી પડી ગઇ છે. બ્રન્ટ આઇસ શેલ્ફ એન્ટાર્કટિકાનાં વેડ્ડેલ સી ની પૂર્વ દિશામાં આવેલી છે.
બરફની આ વિશાળ પાટ તૂટી પડવાની ઘટના બ્રિટનના એન્ટાર્કટિકાના હેલ્લી રિસર્ચ સ્ટેશનથી ફકત 20 કિલોમીટરનાં અંતરે જ બની છે. વિજ્ઞાનીઓના કહેવા મુજબ બરફની આ મહામોટી પાટનું કદ લંડન શહેરના વિસ્તાર જેટલું છે. બ્રિટનનાં આ સંશોધન મથકનાં સત્તાવાર સૂત્રોએ સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે, આ ભારે ચિંતાજનક ઘટનાથી અમારા સંશોધન કેન્દ્રને કોઇ નુકસાન નથી થયું. સાથોસાથ અમારા બધા 21 વિજ્ઞાનીઓ પણ સંપૂર્ણ સલામત છે.
બીજીબાજુ એન્ટાર્કટિકા વિશે ગહન સંશોધન અને અભ્યાસ કરતા વિજ્ઞાનીઓએ એવી ચિંતા પણ વ્યક્ત કરી છે કે એન્ટાર્કટિકામાં થીજી ગયેલા બરફનું આટલું વિશાળ કદનું ચોસલું તૂટી પડયું હોવાથી બ્રન્ટ આઇસ શેલ્ફના અને તેની નજીકના વિસ્તારમાં રહેતાં અસંખ્ય એમ્પરર પેન્ગ્વિન્સની વસાહતને ગંભીર નુકસાન થવાનું જોખમ ખરું. આ વિશાળ પરિસરમાં એમ્પરર પેન્ગ્વિન્સ કંઇ કેટલીય સદીઓથી વસે છે.
બ્રિટનના એન્ટાર્કટિકાના હેલ્લી રિસર્ચ સેન્ટરનાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે, આમ તો અમે ઘણા સમયથી બ્રન્ટ આઇસ શેલ્ફમાં પડેલી નાની તિરાડ અને તેમાં થઇ રહેલી અકળ ગતિવિધિનો સતત અભ્યાસ કરતા હતા. બરફની વિશાળ પાટ બ્રન્ટ આઇસ શેલ્ફના જે હિસ્સામાંથી છૂટી પડી ગઇ છે તે ભાગ લગભગ 150-200 મીટર(450થી 600 ફૂટ) જેટલો જાડો અને ઘટ્ટ છે.
ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ જીઓમેગ્નેટિઝમ (આઇ.આઇ.જી.)ના ભૂતપૂર્વ સિનિયર વિજ્ઞાની અને એન્ટાર્કટિકાનાં ભારતનાં કાયમી સંશોધન મથક ભારતીમાં જઇ આવેલ એ કહ્યું હતું કે, 1,550 ચોરસ કિલોમીટરનું વિરાટ કદનું બરફનું ચોસલું તેની મુખ્ય આઇસ શેલ્ફમાંથી તૂટીને છૂટું પડી જાય તે ઘટના એન્ટાર્કટિકાના ભવિષ્ય માટે ખરેખર બહુ ચિંતાજનક કહેવાય.
અગાઉ પણ બરફની આવી મોટી પાટ છૂટી પડી ગઇ હતી. આવી ગંભીર ઘટના ખરેખર તો એન્ટાર્કટિકાના કુદરતી અને સંપૂર્ણ શુદ્ધ પર્યાવરણ અને તેની વિશાળ-સુંદર જીવ સૃષ્ટિના અસ્તિત્વ માટે ભારે જોખમી કહેવાય. આ ઘટના વિશે એન્ટાર્કટિકાના ભારત સહિત અન્ય દેશનાં સંશોધન મથકના વિજ્ઞાનીઓ સુક્ષ્મ અભ્યાસ કરી રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500