બારડોલીના બાબેન ગામે રહેતી 34 વર્ષીય પરિણીતા તેની બે પુત્રીઓ સાથે બસમાંથી ઉતાર્યા બાદ ગુમ થઈ જતાં બારડોલી પોલીસે ગુમ જાણવા જોગ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. બારડોલી તાલુકાનાં બાબેન ગામે ગોપાલ નગરમાં રહેતા ગૌતમભાઈ દાદાજી મોરે ડ્રાઇવિંગનું કામ કરે છે. તેની પત્ની સ્નેહાબેન ગૌતમભાઈ મોરે (ઉ.વર્ષ 34) ગત જાન્યુઆરી મહિનામાં બે પુત્રીઓ હર્ષિતા ગૌતમ મોરે (ઉ.વર્ષ 7) અને ભાગ્યશ્રી (ઉ.વર્ષ 3) મહારાષ્ટ્રના સટાણા પોતાના વતન ગઈ હતી.
31મી જાન્યુઆરી 2023ના રોજ તે તેની બંને પુત્રીઓ સાથે સટાણા બસ સ્ટેન્ડથી મનમાડ સુરત બસ નંબર એમએચ 14બીટી 4705માં બેસી બારડોલી આવવા માટે નીકળી હતી. બસ બારડોલી આવી ગયા બાદ પણ તે બારડોલી પહોંચી ન હોય તેના પતિ અને પરિવારજનોએ તેમની શોધખોળ આદરી હતી. સગાસંબંધીને ત્યાં શોધખોળ છતાં કોઈ પત્તો લાગ્યો ન હતો.
પોલીસે પતિ ગૌતમે આપેલી અરજીના આધારે બસના ડ્રાઇવર કંડક્ટરની પણ પૂછપરછ કરી હતી. જેમાં પરિણીતા ધુલિયા ચોકડીથી બારડોલી લિનિયર બસ સ્ટેન્ડ વચ્ચે ઉતરી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે સીસીટીવી કૅમેરા પણ ચેક કર્યા હતા. પરંતુ ક્યાય પણ પરિણીતા કે તેની બે પુત્રીઓનો પત્તો લાગ્યો ન હતો. આખરે પોલીસે ગુમ જાણવા જોગ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ગુમ થનાર પરિણીતા રંગે ઘઉંવર્ણની, ઊંચાઈ પાંચ ફૂટ છ ઇંચ, વાળ લાંબા અને કાળા, શરીરે આછા ગુલાબી રંગની સાડી પહેરેલ છે. મોટી દીકરી હર્ષિતા શરીરે પાતળા બંધાની રંગે ઘઉંવર્ણની, ઊંચાઈ બે થી અઢી ફૂટ, શરીરે કથ્થાઇ મહેંદી રંગનું ફ્રૉક પહેરેલ છે. સૂયાથી નાની દીકરી ભાગ્યશ્રી શરીરે મધ્યમ બાંધાની, રંગે ઘઉંવર્ણની, ઊંચાઈ એક ફૂટ 6 ઇંચ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500