લખનૌ : ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર એક્શન લેવામાં કેટલી સક્ષમ અને કડક છે તેનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં, પોલીસ કોન્સ્ટેબલની ભરતી પરીક્ષા આપતી કંપની એજ્યુટેસ્ટને યોગી સરકારે બ્લેકલિસ્ટ કરી છે. કોન્સ્ટેબલની ભરતીની પરીક્ષાનું પેપર લીક થયું હતું, જે બાદ સરકારે પરીક્ષા રદ કરી હતી અને આ મામલાની તપાસની જવાબદારી એસટીએફ ને સોંપવામાં આવી હતી. પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ રેણુકા મિશ્રાને હટાવી રાજીવ કૃષ્ણને પોલીસ ભરતી બોર્ડના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. રાજીવ કૃષ્ણને ચેરમેન/ડીજી રિક્રુટમેન્ટ બોર્ડનો હવાલો સોંપવામાં આવ્યો છે.
તપાસ દરમિયાન, એસટીએફને કંપનીની બેદરકારીના પુરાવા મળ્યા છે. આ સિવાય અનેક નોટિસો છતાં કંપનીના ડાયરેક્ટર વિનીત આર્યએ એસટીએફ સમક્ષ પોતાનું નિવેદન નોંધ્યું ન હતું. કહેવામાં આવી રહ્યું છે કે કંપનીના ડાયરેક્ટર વિનીત આર્ય અમેરિકામાં છે. પેપર લીક કેસમાં ભરતી બોર્ડની આંતરિક તપાસ સમિતિનો રિપોર્ટ હજુ આવ્યો નથી. એડીજી રિક્રુટમેન્ટ બોર્ડ અશોક કુમાર સિંહની અધ્યક્ષતામાં આ મામલે તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી અને ઉમેદવારો પાસેથી પેપર લીકના પુરાવા માંગવામાં આવ્યા હતા. હજુ સુધી આ કેસમાં ગુનેગારો સામે ભરતી બોર્ડ દ્વારા કોઈ એફઆઈઆર દાખલ કરવામાં આવી નથી. બીજી તરફ વિપક્ષોએ પેપર લીક મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
મામલાની ગંભીરતાને જોતા સરકારે કોન્સ્ટેબલની ભરતી પરીક્ષાનું પેપર રદ કરવાનો અને સમગ્ર મામલાની એસટીએફ દ્વારા તપાસ કરાવવાનો નિર્ણય લીધો હતો. આ સાથે છ મહિનામાં ફરીથી પરીક્ષા લેવા સૂચના આપવામાં આવી હતી. જણાવી દઈએ કે કોન્સ્ટેબલની ભરતી માટેની લેખિત પરીક્ષા 17 અને 18 ફેબ્રુઆરીના રોજ બે શિફ્ટમાં લેવામાં આવી હતી. આ સિવાય એડીજીમાંથી પ્રમોશન મેળવીને ડીજી બનેલા અભય કુમાર પ્રસાદને ટૂંક સમયમાં નવી જવાબદારી આપવામાં આવી શકે છે. પ્રસાદ હાલમાં ઈઓડબ્લ્યુ માં કાર્યરત છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500