Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દુનિયાની સૌથી વધુ વસ્તી ધરાવતા આપણા ભારત દેશની વસ્તી ગણતરી વિશેની થોડી વિગત

  • July 11, 2023 

આજે તા.૧૧મી જુલાઈ, વસ્તી ગણતરી દિવસ. આ અવસરે દુનિયાની સૌથી વધુ વસ્તી ધરાવતા આપણા ભારત દેશની વસ્તી ગણતરી વિશેની થોડી વિગતો અત્રે પ્રસ્તુત છે. વસ્તી ગણતરી એ વસ્તી સંબંધિત આંકડાકીય માહિતી એકત્રિત કરવા, સંકલન કરવા, વિશ્લેષણ કરવા, મૂલ્યાંકન કરવા, પ્રકાશિત કરવા અને પ્રસારિત કરવાની પ્રક્રિયા છે. વસ્તી ગણતરી દર દસ વર્ષના અંતે હાથ ધરવામાં આવે છે. આ પ્રક્રિયાની શરૂઆત સૌપ્રથમ ૧૮૭૨માં બ્રિટિશ વાઇસરોય લોર્ડ મેયો દ્વારા કરવામાં આવી હતી. જ્યારે પ્રથમ સંપૂર્ણ વસ્તી ગણતરીની શરૂઆત ૧૮૮૧માં થઈ હતી.



સને ૨૦૨૧ સુધીમાં, ભારતની દસ  વાર્ષિક વસ્તી ગણતરી ૧૬ વખત હાથ ધરવામાં આવી છે. વસ્તી ગણતરી શું છે? સને ૧૯૪૯ પછી, તે ગૃહ મંત્રાલય હેઠળના ભારતના રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. ૧૯૫૧થી તમામ વસ્તી ગણતરી ૧૯૪૮ના સેન્સસ ઓફ ઈન્ડિયા એક્ટ હેઠળ હાથ ધરવામાં આવે છે. આપણા દેશમાં છેલ્લી વસ્તી ગણતરી ૨૦૧૧માં યોજાઈ હતી. જ્યારે ૨૦૨૧માં જે વસ્તી ગણતરી યોજાવાની હતી તે COVID-19 મહામારીને કારણે મોકૂફ રાખવામાં આવી હતી. વસ્તી ગણતરીમાં શિક્ષણ, SC/ST, ધર્મ, ભાષા, લગ્ન, પ્રજનન ક્ષમતા, વિકલાંગતા, વ્યવસાય અને વ્યક્તિઓના સ્થળાંતર જેવા વસ્તી વિષયક અને વિવિધ સામાજિક-આર્થિક પરિમાણો પર ડેટા એકત્રિત કરવામાં આવે છે.



સને-૨૦૧૧માં દેશમાં પ્રથમ વખત બાયોમેટ્રિક માહિતી એકત્રિત કરવામાં આવી હતી. વસ્તી ગણતરીનો હેતુ શું છે ? કેન્દ્ર અને રાજ્ય સરકારો માટે આયોજન અને નીતિઓ ઘડવા માટેની માહિતી એકત્રિત કરવી તે આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ છે. વસ્તી ગણતરીથી આપણે કોણ છીએ, અને એક રાષ્ટ્ર તરીકે આપણે ક્યાં જઈ રહ્યા છીએ તે સ્પષ્ટપણે જોઈ શકાય છે. સરકાર વસ્તી ગણતરીના ડેટાના આધારે રાજ્યો અને અન્ય વિસ્તારોમાં ભંડોળ અને સહાયનું વિતરણ કેવી રીતે કરવું તેનો અભ્યાસ કરી શકે છે. વસ્તી ગણતરીના ડેટાનો વ્યાપકપણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓ, વિદ્વાનો, વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને બીજા ઘણા લોકો દ્વારા ઉપયોગ કરવામાં આવે છે.



વસ્તી ગણતરી શા માટે મહત્વપૂર્ણ છે ? વસ્તી ગણતરી એ આધુનિક અર્થતંત્રમાં સત્તાવાર આંકડા અને નીતિ ઘડતર માટેનો પાયારૂપ ડેટાબેઝ છે. વસ્તી વિષયક માહિતી, આર્થિક પ્રવૃત્તિ, સાક્ષરતા અને શિક્ષણ, આવાસ અને ઘરગથ્થુ સુવિધાઓ, શહેરીકરણ, પ્રજનન ક્ષમતા અને મૃત્યુદર, SC અને ST, ભાષા, ધર્મ, સ્થળાંતર, અપંગતા અને અન્ય ઘણા સામાજિક-સાંસ્કૃતિક અને વસ્તી વિષયક ડેટા આ કામગીરી વેળા ઉપલબ્ધ થાય છે. સંસદ/વિધાનસભા/પંચાયતો અને અન્ય સ્થાનિક સંસ્થાઓના મતવિસ્તારોનું સીમાંકન/આરક્ષણ પણ વસ્તી વિષયક માહિતીના આધારે કરવામાં આવે છે. વસ્તી ગણતરીએ દેશની પ્રગતિની સમીક્ષા કરવા, સરકારની યોજનાઓ પર દેખરેખ રાખવાનો પણ એક મહત્વનો આધાર છે.



તે આયોજન અને સમસ્યાઓનું નિરાકરણ અને ખામીઓને સુધારવા માટેના માર્ગો પૂરા પાડે છે. સરકાર વસ્તી ગણતરીના આંકડાઓના વિશ્લેષણ મુજબ ભવિષ્ય માટે નીતિઓ બનાવે છે. વાસ્તવિક લાભાર્થીઓની ઓળખ કરવા માટે પણ તેનો ડેટા મહત્ત્વપૂર્ણ છે ભારતની વસતી હવે દુનિયામાં સૌથી વધુ થઈ ચૂકી છે. ચીનને ભારતે પાછળ છોડી આ સિદ્ધી મેળવી છે. સંયુક્ત રાષ્ટ્ર (UN)ના રિપોર્ટમાં આ માહિતી સામે આવી હતી. UNના રિપોર્ટ અનુસાર ભારતની વસતી ૧૪૨.૮૬ કરોડ થઈ ચૂકી છે. જ્યારે ૧૪૨.૫૭ કરોડ સાથે ચીન બીજા ક્રમે છે. યુનાઇનેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ (UNFPA)ના રિપોર્ટમાં સામે આવ્યું કે ભારતમાં હવે ચીનની તુલનાએ આશરે ૨૯ લાખ લોકો વધારે છે.



UNના અહેવાલ અનુસાર એક વર્ષમાં ભારતની વસતી 1.56 ટકા વધી. UNના અહેવાલ અનુસાર એક વર્ષમાં ભારતની વસતી ૧.૫૬ ટકા વધી છે. UNFPAની ધી સ્ટેટ ઓફ વર્લ્ડ પોપ્યુલેશન રિપોર્ટ ૨૦૨૩ શીર્ષક હેઠળના રિપોર્ટ અનુસાર ભારતની વસતી ૧.૪૨૮૬ બિલિયન છે. જોકે ચીનની ૧.૪૨૫૭ બિલિયન છે. જે ૨.૯ મિલિયનનું અંતર ધરાવે છે. UNના અધિકારીઓએ કહ્યું કે, ભારતની છેલ્લી વસતી ગણતરી ૨૦૧૧માં કરાઈ હતી, અને ૨૦૨૧માં થનાર વસતી ગણતરીમાં મહામારીને કારણે વિલંબ થયો હતો.  UN 1950થી દુનિયામાં વસતી સંબંધિત આંકડા જાહેર કરે છે. UN અનુસાર ભારત અને ચીન ૮.૦૪૫ બિલિયનની અંદાજિત વૈશ્વિક વસતીના એક તૃતીયાંશથી વધારે માટે જવાબદાર હશે.



જોકે બંને એશિયાઈ દિગ્ગજોમાં વસતી વૃદ્ધિ ભારતની તુલનાએ ચીનમાં તેજ ગતિથી ધીમી રહી છે. રિપોર્ટમાં કહેવાયું છે કે ગત વર્ષે છ દાયકામાં પહેલીવાર ચીનની વસ્તીમાં ઘટાડો થયો હતો. UN ૧૯૫૦થી દુનિયામાં વસતી સંબંધિત આંકડા જાહેર કરે છે. ૧૯૫૦થી આ પ્રથમ વખત છે જ્યારે ભારતે વસ્તી મામલે ચીનને પાછળ કરી દીધું છે. UNના રિપોર્ટમાં જાણ થઈ કે આ 6 દાયકામાં પહેલીવાર છે, જ્યારે ચીનની વસતી ઘટી છે. ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ વસ્તી, અને ડાંગ જિલ્લામાં સૌથી ઓછી વસ્તી છે.



રાજ્યનો સુરત જિલ્લો સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવે છે, જ્યારે કચ્છ જિલ્લો સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવે છે. ગુજરાતમાં ૨૫૨ તાલુકાઓ આવેલા છે. ડાંગ સને ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ડાંગની વસ્તી ૨,૨૮,૨૯૧ વ્યક્તિઓની છે. જે વાનુટુ નામના દેશની વસ્તીની બરાબર છે. ભારતના ૬૪૦ જિલ્લાઓમાં ડાંગ વસ્તીની દ્રષ્ટિએ ૫૮૭મો ક્રમ ધરાવે છે. જિલ્લાની વસ્તી ગીચતા ૧૨૯ વ્યક્તિ પ્રતિ ચોરસ કિલોમીટર છે. તેનો વસ્તી વધારાનો દર ૨૦૦૧-૨૦૧૧ દરમિયાન ૨૧.૪૪ % રહ્યો હતો.



ડાંગમાં જાતિ પ્રમાણ ૧૦૦૦ પુરુષોએ ૧૦૦૬ સ્ત્રીઓનું છે, અને સાક્ષરતા દર ૭૫.૧૬ % છે. સને ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ડાંગના ૫૯.૫૯ % લોકો ડાંગી ભાષા, ૩૨.૫૫ % લોકો ગુજરાતી, ૩.૧૮ % લોકો ગામીત, ૨.૦૦ % લોકો મરાઠી, અને ૧.૨૧ % લોકો હિંદી તેમની માતૃભાષા તરીકે બોલે છે. ડાંગ જિલ્લાની વસ્તીના ઐતિહાસિક અંકો ‌સને ૧૯૦૧ : ૧૮,૩૩૩ ‌સને ૧૯૧૧ : ૨૮,૯૨૬. : + ૪.૬૭ % ‌સને ૧૯૨૧ : ૨૪,૧૪૨. : + ૧.૭૯ % ‌સને ૧૯૩૧ : ૩૩,૪૯૫ : + ૩.૩૩ % ‌સને ૧૯૪૧ : ૪૦,૨૩૬ : + ૧.૮૫ % ‌સને ૧૯૫૧ : ૪૭,૨૮૨ : + ૧.૬૩ % ‌સને ૧૯૬૧ : ૭૧,૫૬૭ : + ૪.૨૩ % ‌સને ૧૯૭૧ : ૯૪,૧૮૫ : + ૨.૭૮ % ‌સને ૧૯૮૧ : ૧,૧૩,૬૬૪ : + ૧.૯૦ % ‌સને ૧૯૯૧ : ૧,૪૪,૦૯૧ : + ૨.૪૦ % ‌સને ૨૦૦૧ : ૧,૮૬,૭૨૯ : + ૨.૬૩ % ‌સને ૨૦૧૧ : ૨,૨૮,૨૯૧ : + ૨.૦૩%



e-Census : વસ્તી ગણતરી માટે દરેક વ્યક્તિને અનેક પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે. ઉદાહરણ તરીકે નામ, ઉંમર, શિક્ષણ, આવક વિગેરે. સને ૨૦૧૧ની વસ્તી ગણતરીમાં દરેક વ્યક્તિને સમાન ૨૩ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તાજેતરમાં, કેન્દ્ર સરકારે રાજ્યોને જાણ કરી હતી કે દસ વાર્ષિક વસ્તી ગણતરી સપ્ટેમ્બર 2023 સુધી મુલતવી રાખવામાં આવી છે, અને વહીવટી સીમાઓ ફ્રીઝ કરવાની તારીખ 30 જૂન, 2023 સુધી લંબાવવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application