બારડોલી તાલુકાના ઉતારા ગામની સીમમાંથી અઢી વરસની દીપડી પાંજરે પુરાઈ હતી. ગત ૧૧મી સપ્ટેમ્બર ના રોજ કુતરાના બચ્ચા શિકાર બાદ વન વિભાગ દ્વારા પાંજરૂ ગોઠવવામાં આવ્યું હતું. જેમાં દીપડી પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહત અનુભવી હતી.
આ અંગે મળતી માહિતી અનુસાર બારડોલી તાલુકાના ઉતારા ગામે રહેતા શ્યામલાલ વૈષ્ણવના ઓટલા પરથી 11મી સપ્ટેમ્બરના રોજ દીપડો કુતરાના બચ્ચાનો શિકાર કરી ગયો હતો. ઘટનાને લઇ સરપંચએ બારડોલી વન વિભાગને જાણ કરતા વન વિભાગે તાત્કાલિક પાંજરૂ ગોઠવ્યું હતું અને મારણ મૂકી દિપડાને પકડવાની તજવીજ હાથ ધરી હતી. દરમિયાન શનિવારે રાત્રે આ પિંજરામાં એક દીપડો પુરાયો હોવાની જાણ થતાં વનવિભાગ અને ફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેલફેર ટ્રસ્ટ ના પ્રમુખ અને ઉપપ્રમુખ ઘટના સ્થળે પહોંચ્યા હતા.
વન વિભાગે સ્થળ પર પહોંચી તપાસ કરતા તે અઢી વરસની આવી હોવાનું જણાવ્યું હતું. વન વિભાગે દીપડીનો કબજો લઇ આગળની તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઉતારા ગામની સીમમાં છેલ્લા ઘણા સમયથી દિપડાની અવરજવર રહે છે તેને કારણે ગ્રામજનોમાં પણ ગભરાટનો માહોલ છે હાલ એક દીપડી પાંજરે પુરાતા લોકોએ રાહતના શ્વાસ લીધો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500