ખેડુતોની સમૃધ્ધિ અને લોકોના સુખી અને તંદુરસ્ત જીવન માટે પ્રાકૃતિક ખેતી કરવાનો અનુરોધ કરતા ધારાસભ્ય નરેશભાઇ પટેલ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સુરખાઇ ધોડીયા પટેલ સમાજની વાડી ખાતે ખેતીવાડી શાખા, જિલ્લા પંચાયત નવસારી દ્વારા આયોજીત એજીઆર-૨,૩,૪ તથા સ્વભંડોળ યોજના અંતર્ગત કીટ વિતરણ કાર્યક્રમ ગણદેવીના ધારાસભ્ય નરેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે, ખેડુતોની સમૃધ્ધિ અને લોકોના સુખી અને તંદુરસ્ત જીવન માટે પ્રાકૃતિક ખેતી અપનાવવી પડશે.
રસાયણમુકત ખેતી થકી પોતાના પરિવારની સાથે અન્ય લોકોને પણ સુયોગ્ય અને સ્વાસ્થ્યવર્ધક ખોરાક મળી રહે તે માટે ખેડુતોએ નાના પાયે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરવા અનુરોધ કર્યો હતો. આ અવસરે ધારાસભ્યએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ખેડૂતોને પ્રોત્સાહિત કરવા પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાય નિભાવ ખર્ચ સહાય અને પ્રાકૃતિક કૃષિ કીટ સહાય યોજના અમલી બનાવી છે. જેના થકી ખેડૂતો રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો કરતાં ખર્ચમાં ઘટાડો અને ગાય આધારિત ખેતી થકી ઓછા ખર્ચે વધુ લાભ મેળવી શકશે. રાજ્યના ખેડૂતો વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે 'મિશન મૉડ' પર પ્રાકૃતિક કૃષિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ખેડુતો રાસાયણિક ખેતીને તિલાંજલી આપી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરીને આત્મનિર્ભર બનવા તેમણે અનુરોધ કર્યો હતો. આ અવસરે મહાનુભાવોના હસ્તે કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500