સુરતના પુણા વિસ્તારમાં એક મકાનના બીજા અને ત્રીજા માળે આવેલા બે રૂમનું ગેરકાયદેસર બાંધકામ નહીં તોડવા માટે રૂપિયા 35 હજારની લાંચ લેતા સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનના શહેર વિકાસ વિભાગના જુનિયર ઈજનેરને સુરત એ.સી.બી.એ પુણા વોર્ડ ઓફિસની સામેથી રંગેહાથ ઝડપી લીધા હતા, જયારે લાંચ માંગવામાં સામેલ પટાવાળાને એ.સી.બી.એ ઓફિસમાંથી ઝડપી લીધા હતા. એ.સી.બી.ના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના પુણા વિસ્તારમાં એક વ્યકિતએ તેના મકાનની ઉપર બીજા અને ત્રીજા માળે બે રૂમ બનાવ્યા હતા.
તે ગેરકાયદેસર હોય તોડવા પડશે કહી સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનના શહેર વિકાસ વિભાગના જુનિયર ઈજનેર કેયુરભાઇ રાજેશભાઇ પટેલ અને પટાવાળા નિમેષકુમાર રજનીકાંત ગાંધીએ જો તેને તોડવા નહીં હોય તો લાંચ પેટે રૂપિયા 50 હજારની માંગણી કરી હતી. મકાન માલિકે રક્ઝક કરતા બંને રૂપિયા 35 હજાર લેવા તૈયાર થયા હતા. જોકે આ અંગે મકાન માલિકે સુરત એ.સી.બી.માં ફરિયાદ કરતા એસીબી સુરત એકમના મદદનીશ નિયામક આર.આર.ચૌધરીના માર્ગદર્શન હેઠળ મહિલા પી.આઈ.એ મોડી સાંજે પુણાગામ પુણા વોર્ડ ઓફિસની સામે છટકું ગોઠવ્યું હતું. છટકા મુજબ જુનિયર ઈજનેર કેયુરભાઇ રાજેશભાઇ પટેલે લાંચની રકમ સ્વીકારી તે સાથે જ એસીબીની ટીમ ત્રાટકી હતી અને તેમને રંગે હાથ ઝડપી પાડી પટાવાળા નિમેષકુમાર રજનીકાંત ગાંધીને તેમની ઓફિસમાંથી ઝડપી પાડી આ અંગે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application