Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સાગર ખેડુઓના ઉત્કર્ષ માટે PM મત્સ્ય સંપદા યોજના હેઠળ માતબર રૂપિયા ૨૦,૦૦૦ કરોડનું જંગી અનુદાન ફાળવ્યું

  • September 15, 2023 

ભારત સરકારનાં મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી વિભાગનાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઇ રૂપાલાના અધ્યક્ષ સ્થાને આઇસીએઆર-સીઆઇબીએનાં શ્રિમ્પ ફાર્મર્સ કોન્ક્લેવ-૨૦૨૩ યોજાઇ હતી. તેમની સાથે નવસારીના સાંસદ સી.આર.પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રિય મંત્રી પરસોત્તમભાઇ રૂપાલાએ જણાવ્યું હતું કે, આઝાદી બાદ તત્કાલીન સરકાર દ્વારા મત્સ્ય ઉદ્યોગની સદંતર ઉપેક્ષા કરવામાં આવી હતી. વર્ષ ૧૯૪૭થી ૨૦૧૪ સુધી કુલ માત્ર રૂપિયા ૩૬૮૦ કરોડનો ખર્ચ કરાયો હતો. જેની સામે વર્તમાન કેન્દ્ર સરકારે સાગરખેડુઓના સર્વાંગી વિકાસ અને સાગર ખેડુઓના ઉત્કર્ષ માટે PM મત્સ્ય સંપદા યોજના હેઠળ માતબર રૂપિયા ૨૦,૦૦૦ કરોડનું જંગી અનુદાન ફાળવ્યું છે. આ સાથે જ મત્સ્ય ક્ષેત્રના આંતરમાળખાકીય વિકાસ માટે રૂપિયા ૧૫,૦૦૦ કરોડના બજેટની જોગવાઈ કરી છે.



એટલું જ નહીં માછીમારોના વિકાસ માટે અને આ ઉદ્યોગને વેગ આપવા માટે પ્રધાનમંત્રીએ એક અલાયદા મંત્રાલયની રચના કરી છે. ગુજરાત રાજ્ય મત્સ્ય પેદાશોના ઉત્પાદનમાં દેશમાં અગ્રસ્થાને છે ત્યારે ગુજરાત મત્સ્ય પેદાશોના નિકાસ માટે વધુ યોગદાન આપે તેનાથી દેશની આવકમાં વૃદ્ધિ થવાની સાથે માછીમારોના આર્થિક વિકાસને વેગ મળશે તેમ જણાવતા મંત્રી રૂપાલાએ કહ્યું કે, દેશ-ગુજરાતમાં ડીપ ફિશિંગ વણખેડ્યું રહ્યું છે. ઉપરાંત મત્સ્યદ્યોગ ક્ષેત્રે પ્રોસેસિંગના વિકાસની અપાર સંભાવના રહેલી છે. ત્યારે આ દિશામાં નવીન ટેકનોલોજી અપનાવી મત્સ્યદ્યોગને વેગ આપી શકાશે. આ સાથે તેમણે કહ્યું કે, દરિયા કિનારા નજીક માછલીઓ મળતી નથી. જેથી ભારત સરકારે સ્ટોક રિન્ચિંગ માટે જુદા જુદા પગલાં લઈ રહી છે. આ અવસરે સાંસદ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ભારત ૮ હજાર કિમીનો વિશાળ સાગર તટ ધરાવે છે.



અનેક પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરીને દરિયો ખેડતા માછીમારોના સામાજિક અને આર્થિક વિકાસ અને ગ્રામીણ અર્થતંત્રને ધબકતું રાખવા માટે વડાપ્રધાનશ્રીના દીર્ઘદ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ અલાયદા મત્સ્ય મંત્રાલયની રચના કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય વિશાળ દરિયા કિનારો ધરાવે છે ત્યારે મત્સ્યદ્યોગને નવો વેગ આપવા સરકારે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. ભારતમાં બ્લૂ ઈકોનોમીને વેગ આપવા અને માછીમારોને ઘરઆંગણે યોજનાકીય લાભો આપવાના ઉદ્દેશથી કેન્દ્ર સરકારે ૧૮૦થી વધુ યોજનાઓ અમલી બનાવી છે. આ સાથે તેમણે કહ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ માછીમાર સમુદાયને નવી ઓળખ આપવાની સાથે મુખ્ય ધારામાં જોડવાનું મહત્વપૂર્ણ કાર્ય કર્યું છે.



દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારો, માછીમાર સમુદાયોને સરકાર દ્વારા અમલી કલ્યાણકારી યોજનાઓ અને કાર્યક્રમોથી જાગૃત્ત કરવા સરકાર કટિબધ્ધ છે કાર્યક્રમ દરમિયાન સીઆઈબીએ અને નેશનલ ફિશરીઝ ડેવલપમેન્ટ બોર્ડ (એનએફડીબી) વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ) એન.એફ.ડી.બી. દ્વારા ઓફર કરવામાં આવતી પ્રીમિયમ સબસિડી સાથે જળચરઉછેર માટે પાક વીમાનો અમલ કરવા માટે અનુક્રમે ગુજરાતની સીઆઈબીએ અને ફિશ ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન (એફએફપીઓ) અનુક્રમે ગુજરાતની સીઆઈબીએ અને ફિશ ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન (એફએફપીઓ)નો અમલ અને એગ્રિકલ્ચર ઇન્શ્યોરન્સ કંપની ઓફ ઇન્ડિયા લિમિટેડની પ્રોડક્ટ ઝીંગા પાક વીમાને પણ લોન્ચ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યુ હતું. પુસ્તકો અને પ્રકાશનોનું વિમોચન તથા લાભાર્થીઓને ચેક વિતરણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ખાસ કરીને ઝીંગાના બિયારણની ગુણવત્તા, ઝીંગાના ભાવ, વૈવિધ્યકરણ અને વીજળીના દર વગેરે અંગેની જરૂરિયાતો વિશે ચર્ચા કરવા માટે એક જળચરઉછેર પાક વીમા પર વિશેષ સત્ર અને આંતર-વિભાગીય અધિકારીઓની ભાગીદારી સાથે પેનલ ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application