ચીનનાં હેનાન પ્રાંતમાં આવેલી એક કંપનીમાં લાગેલી ભીષણ આગમાં 36 લોકોનાં મોત થયા છે. જોકે સ્થાનિક સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ ઘટનામાં 2 લોકો ઘાયલ થયા છે, જ્યારે અન્ય 2 લાપતા છે. જે કંપનીમાં આગ લાગી ત્યાં કેમિકલ અને અન્ય ઔદ્યોગિક સામાન બનાવવામાં આવે છે. વેનફાંગ જિલ્લા સરકારનાં જણાવ્યા પ્રમાણે આગ ગતરોજ સાંજે 4:00 વાગ્યાની આસપાસ લાગી હતી અને લગભગ 4 કલાકની જહેમત બાદ અગ્નિશામકો દ્વારા આગ કાબૂમાં લેવામાં આવી હતી.
જોકે દુર્ઘટનાં સ્થળ પર 200થી વધુ જવાનોએ શોધ અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ફાયર બ્રિગેડનાં 60 જવાનોને પણ ઘટના સ્થળે મોકલવામાં આવ્યા હતા. જયારે આગનાં કારણે આ દુર્ઘટનામાં કંપનીનાં કેટલા કર્મચારીઓનાં મોત થયા તે અંગે હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી. જોકે, ચીનમાં વધતી સ્પર્ધા અને ભ્રષ્ટાચારને કારણે સુરક્ષા પગલામાં શિથિલતા સામાન્ય બની ગઈ છે. 2015માં ઉત્તરીય બંદર શહેર તિયાનજિનમાં એક કેમિકલ વેરહાઉસમાં એક વિશાળ વિસ્ફોટમાં 173 લોકો માર્યા ગયા હતા. મૃતકોમાં મોટા ભાગનાં અગ્નિશામકો અને પોલીસ અધિકારીઓ હતા.
આ વર્ષે સપ્ટેમ્બરમાં ચીનનાં ચાંગશા શહેરમાં એક મોટી દુર્ઘટના બની હતી. ત્યાં એક 42 માળની ઈમારતમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે, બિલ્ડિંગનાં તમામ માળ તેની લપેટમાં આવી ગયા હતા. જે બિલ્ડીંગમાં આગ લાગી તેમાં ચીનની ટેલિકોમ્યુનિકેશન કંપની ચાઈના ટેલિકોમની ઓફિસ આવેલી છે. આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેડની 36 ગાડીઓ લગાવવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500