'કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન' અંતર્ગત તાજેતરમાં સુબિર તાલુકાનાં શિંગાણા ખાતે અતિકુપોષિત બાળકોની આરોગ્ય તપાસનો કેમ્પ યોજાઈ ગયો. રાજ્ય સરકાર દ્વારા ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકાને “Aspitrational Block” તરીકે જાહેર કરાયો છે. જેમાં આરોગ્ય અને પોષણના અતિ મહત્વના ઇન્ડિકેટરને ધ્યાને લઇ, જિલ્લા પંચાયતની આરોગ્ય અને આઇ.સી.ડી.એસ. શાખાના સંયુક્ત ઉપક્રમે, કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત આયોજિત આ આરોગ્ય તપાસ કેમ્પમાં કુલ ૯૨ જેટલા અતિ કુપોષિત બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.
આરોગ્ય તપાસની સાથે સાથે આઇ.સી.ડી.એસ. શાખા દ્વારા તાલુકા કક્ષાની મિલેટ્સ આધારિત વાનગી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં સેજા કક્ષાની વિજેતા એવી કુલ ૧૫ આંગણવાડી કાર્યકર બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સાથે કાર્યક્રમને અનુરૂપ આંગણવાડી કેન્દ્રમાંથી અપાતા THR-ટેક હોમ રાશનના પેકેટ્સનું પ્રમોશન પણ કરવામાં આવ્યુ હતુ. આ આરોગ્ય કેમ્પમાં બાળ રોગ નિષ્ણાંત ડો.દિલીપ દ્વારા બાળકોની તપાસ સાથે સ્થાનિક ભાષામાં આરોગ્ય,પોષણ, શિક્ષણ, THR-ટેક હોમ રાશનના પેકેટ્સના ફાયદાઓ, અને ડાંગના સ્થાનિક પોષ્ટિક ખાધ પદાર્થ અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કુલ ૧૫૦ જેટલા વાલીઓએ ભાગ લીધો હતો.
કાર્યક્રમમાં સુબિર તાલુકા પંચાયતના પ્રમુખ, કાકશાળા ગ્રામ પંચાયતના સરપંચ વિગેરેની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ કાર્યક્રમના આયોજક એવા આરોગ્ય અને આઇ.સી.ડી.એસ. શાખામાંથી અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, આર.સી.એચ.ઓ.શ્રી, જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી, બાળ વિકાસ યોજના અધિકારીશ્રી, સુબીરના મેડિકલ ઓફિસરશ્રી, RBSK ટીમ, આશા, આંગણવાડી કાર્યકર, અને સહ કર્મચારીઓ દ્વારા કુપોષણ મુક્ત ગુજરાત તરફ એક ડગલું આગળ વધારી “Aspitrational Block“ સુબીરના અતિકુપોષિત બાળકોને વિશેષ લાભ આપવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500