Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કારીયાણાના વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યાની કોશિશ, દીકરીના લગ્ન માટે વ્યાજે લીધા હતા પૈસા

  • January 12, 2023 

સમગ્ર રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં પણ વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે. ગૃહ વિભાગ અને પોલીસ હવે વ્યાજખોરો સામે કડકાઈ કરી રહી છે છતાં પણ વ્યાજખોરોનો ત્રાસ ઓછો થતો નથી. પાલનપુરના કુંભાસણ ગામના કારીયાણાના વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યાની કોશિશ કરતાં તેમને ગંભીર હાલતમાં સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતો,જેને લઈને તેનો પરિવાર ચિંતિત બન્યો છે અને વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યો છે.


પાલનપુરના કુંભાસણ ગામમાં રહેતા અને કરીયાણાની દુકાન ચલાવતા શંકરજી ઠાકોરે પોતાની દીકરીના લગ્ન માટે ચંડીસર ગામના વ્યાજખોર પોપટજી ઠાકોર પાસેથી 30 હજાર રૂપિયા વ્યાજે લીધા હતા. જેના બદલામાં વ્યાજખોર પોપટજી ઠાકોરે પીડિત પાસેથી કોરા ચેક પર સહી કરાવીને લીધા હતા અને જ્યાર સુધી પૈસા ચૂકતે ન થાય ત્યાર સુધી દર મહીને 1500 રૂપિયા વ્યાજ આપવાનું કહ્યું હતું. જેને લઈને શંકરજીએ 1500 રૂપિયાના 9 હપ્તાનું વ્યાજ પોપટજી ઠાકોરને ચૂક્વ્યુ હતું.




છતાં પણ વ્યાજખોરનો ત્રાસ સતત વધતો જતો હતો અને આખરે પીડિતે આપેલા કોરા ચેકમાં વ્યાજખોરે 50 હજારની રકમ ભરીને ચેક બાઉન્સ કરાવીને કોર્ટમાં કેસ કરી દીધો હતો. જે બાદ કોર્ટમાં 7 ડિસેમ્બરના મુદત હોઈ પીડિત શંકરજી ઠાકોરે 20 હજાર રૂપિયા વ્યાજખોરને આપ્યા હતા અને તે બાદ બીજા પૈસા આપવા વ્યાજખોર સતત દબાણ કરતો હતો અને શંકરજીની દુકાને તેમજ તેમના ઘરે જઈને ધમકીઓ આપતો હતો અને ત્રાસ ગુજારતો.




જેથી પીડિત શંકરજી સતત માનસિક ટેન્શનમાં રહેતા અને અને કોર્ટમાં 7 જાન્યુઆરીએ મુદત હોઈ અને પૈસાની સગવડ ન થતાં તેમજ વ્યાજખોરોની ધમકીઓના કારણે તેમણે ઉધઈ મારવાની દવા પી લેતા તેમની હાલત લથડતાં તેમના પરિવારજનો દ્વારા તેમને સારવાર માટે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. હાલમાં ડોકટરોએ તેમને બચાવી લીધા છે અને તેમની હાલત સ્થિર છે. જોકે વ્યાજખોરના કારણે પીડિતનો પરિવાર માનસિક દબાણ અને ડરમાં છે. જેને લઈને પીડિત પરિવાર વ્યાજખોરને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા છે. પોલીસે આરોપી પોપટજી ઠાકોર સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application