આઝાદીનો અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત તા.૧૨મી માર્ચના અમદાવાદ ખાતેથી પ્રારંભ થયેલી દાંડી યાત્રા ગતરોજ સાંજે ૨૨માં દિવસે સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના વાંઝ ગામે આવી પહોચી હતી. જયાં ગ્રામજનો દ્વારા રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બપોરે ડીડોલીથી દાંડીયાત્રાના નીકળ્યા બાદ સણીયા કણદે થઈ દેલાડવા, ખરવાસા થઈ વાંઝ ગામે આવી પહોચી હતી. વાંઝ ગામે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારીતામંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમાર તથા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભાવેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
આ વેળાએ મંત્રી પરમારે આઝાદીના જંગમાં શહીદી વહોરનારા નામી-અનામી નરબંકાઓને ભાવાજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે, આગામી ૭૫ અઠવાડિયા દરમિયાન અનેકવિધ દેશભકિતસભર કાર્યક્રમો યોજવામાં આવશે. દેશની પ્રગતિનું મૂલ્યાંકન કરીને આવનારા દિવસોમાં દેશને કંઈ દિશામાં લઈ જવા માંગીએ છીએ તેનું મનન અને ચિંતન કરીને ભારત દેશ આત્મનિર્ભર બને તે માટે પ્રત્યકે નાગરિકો પોતાનું યોગદાન આપે તે માટે આઝાદીના અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત પાસે તેની ભવ્ય સનાતત સંસ્કૃતિ, યોગ વારસો, વસુંદેવ કુટુંમ્બકમની ઉદાર ભાવના રહેલી છે ત્યારે નાતજાતના ભેદભાવોને મિટાવીને ભારતનું પ્રાચીન ગૌરવ પાછું આવે તે માટે સૌને સહિયારો પ્રયાસો કરવાનો તેમણે અનુરોધ કર્યો હતો.
આ વેળાએ સાંસદ પ્રભુભાઈ વસાવાએ ગાંધીજીએ કરેલા સત્યાગ્રહોની યાદ કરીને જણાવ્યું હતું કે, આજે ભારત દેશને વિશ્વ ગુરૂ બનાવવા માટે યુવા ધન આગળ આવીને દેશને આત્મનિર્ભર ભારત કેવી રીતે બનાવીએ તે દિશામાં કાર્ય કરવાની હિમાયત તેમણે કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500