૨૩મી જાન્યુઆરી એટલે સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રગણ્ય નેતા સુભાષચંદ્ર બોઝનો જન્મદિન.. આઝાદીના જંગમાં ‘તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા’નું સૂત્ર આપનાર દેશના મહાન ક્રાંતિકારી સ્વાતંત્ર્યસેનાની અને 'આઝાદ હિંદ ફોજ'ના સ્થાપક નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૫મી જન્મજયંતિનું વર્ષ તા.૨૩ જાન્યુઆરીથી શરૂ થશે. સમગ્ર વર્ષ દરમિયાન દેશભરમાં તેની ઉજવણી થાય તે માટે કેન્દ્ર સરકારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષપદે ૮૫ સભ્યોની એક સમિતિની પણ રચના કરી છે.
નેતાજીનું જીવન સમગ્ર દેશવાસીઓ અને ખાસ કરીને આજની યુવા પેઢી માટે પ્રેરણાદાયી છે, એટલે જ તેમનું ક્રાંતિકારી, સાહસિક, આદર્શ અને નિર્ભય જીવનકવન આજની નવી પેઢી સુધી પહોંચે તે માટે તેમનું સવાસોમું વર્ષ દેશભરમાં ભવ્ય રીતે ઊજવાય તેવું સુનિયોજિત આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે તા.૨૩મી જાન્યુઆરીએ બારડોલી તાલુકાના હરિપુરાના આંગણે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં સુભાષબાબુની ૧૨૫મી જન્મજયંતિની 'પરાક્રમ દિન' તરીકે શાનદાર ઉજવણી કરવામાં આવશે. જેમાં આઝાદીના ઈતિહાસમાં અનેરૂ સ્થાન ધરાવતાં હરિપુરામાં સુભાષબાબુની સ્મૃત્તિ ફરી એકવાર જીવંત થશે.
સુભાષબાબુ સાથે ગુજરાતનો અનોખો નાતો જોડાયેલો છે. વર્ષ ૧૯૩૮માં દક્ષિણ ગુજરાતના બારડોલી તાલુકાનું હરિપુરા ગામ તેનું સાક્ષી રહ્યું છે. વર્ષ ૧૯૩૮ માં ૧૯, ૨૦ને ૨૧મી ફેબ્રુઆરીએ બારડોલી પાસેના નાનકડા હરિપુરા ગામમાં નેતાજી સુભાષચંદ્ર બોઝના પ્રમુખપદે તત્કાલીન કોંગ્રેસનું ૫૧મું રાષ્ટ્રીય અધિવેશન મળ્યું હતું. જેની સ્મૃતિઓ આજેય આ ગામમાં સચવાયેલી છે અને આ અવિસ્મરણીય યાદોને આજે પણ હરિપુરાના વડીલો યાદ કરીને હર્ષ અને ગર્વની લાગણી અનુભવે છે. અધિવેશનના આયોજન અને વ્યવસ્થાની સમગ્ર જવાબદારી સરદાર વલ્લભભાઈ પટેલના શિરે હતી. સરદાર પટેલે અધિવેશન સ્થળનું નામ ‘વિઠ્ઠલનગર’ રાખ્યું હતું. અંદાજે ૩૦૦ એકરમાં અધિવેશન માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. માત્ર ૫૦ જેટલા ઘરની વસતિવાળા ગામમાં દેશની આખી કોંગ્રેસના નેતાઓ અને પ્રમુખ સુભાષચંદ્ર આવવાના હોવાથી સમગ્ર ગામમાં અત્યંત ઉત્સાહ અને ઉન્માદનું વાતાવરણ હતું. લોકો ગાંધીજી, સરદાર પટેલ, સુભાષબાબુ સહિતના પોતાના પ્રિય નેતાઓઓને નિહાળવા માટે તલપાપડ હતાં.
તાપીના કિનારે આવેલા ‘વિઠ્ઠલનગર’ અધિવેશન સ્થળે પહોંચવા માટે સુભાષબાબુ જ્યારે હરિપુરા ગામમાંથી પસાર થયા ત્યારે ગ્રામજનો દ્વારા તે જમાનાનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરાયું હતા. ૫૧ શણગારેલા બળદગાડાં સાથે હરિપુરાથી વિઠ્ઠલનગર સુધી સુભાષચંદ્ર બોઝનું સરઘસ કાઢીને સ્વાગત કરવામાં આવ્યું હતું. વાંસદાના મહારાજા ઇન્દ્રસિંહજીએ સુભાષબાબુના સ્વાગતમાં એક રથ તૈયાર કરીને હરિપુરા ગામે મોકલ્યો હતો, જે રથમાં બેસીને સુભાષબાબુ અધિવેશનમાં આવ્યા હતા. સુભાષબાબુ આ લોકલાગણીથી અને સન્માનથી એટલા પ્રભાવિત થયા હતા કે તેમણે ગામલોકોનો આભાર માનતા વક્તવ્યમાં લાગણીસભર શબ્દોમાં જણાવ્યું હતું કે 'મેરે પાસ ઈસ કી પ્રશંસા કે લિયે એક ભી શબ્દ નહીં હૈ!'
હરિપુરા ગામમાં રહેતા ૬૩ વર્ષીય મહેન્દ્રભાઈ કાલિદાસ ભાઈ પટેલ ખેતી સાથે સંકળાયેલા છે, તેઓ ગ્રામ સુધારણા ટ્રસ્ટ ના પૂર્વ મેનેજિંગ ટ્રસ્ટી રહી ચૂક્યા છે, તેઓ જણાવે છે કે, સુભાષચંદ્ર બોઝ સાથે હરિપુરા ગામનું નામ ઈતિહાસમાં અંકિત થઈ ગયું છે. જે રીતે બારડોલીનો સરદાર વલ્લભભાઈ પટેલ સાથેની યાદો જોડાયેલી છે, એવી રીતે સુભાષબાબુ સાથે અમારા ગામની સુવર્ણ યાદો જોડાયેલી છે. અમારા ગામના મોટા ભાગના લોકો ખેતી સાથે સંકળાયેલા છે. એટલે જ અમે આ વખતે મુખ્યમંત્રીશ્રીનું ૫૧ શણગારેલા બળદો સાથે બળદગાડામાં બેસાડી ભવ્ય સ્વાગત કરીશું.
ગામના ૩૧ વર્ષીય યુવા સરપંચ સ્નેહલભાઈ ચૌધરીએ જણાવ્યું કે, અમારા વડીલો હરિપુરા ગામ સાથે જોડાયેલી ઐતિહાસિક વાતો અમને કહે છે, ત્યારે રોમાંચિત થઈ ઉઠીએ છીએ. નાનકડું એવું ગામ વર્ષ ૧૯૩૮માં દેશભરમાં જાણીતું બન્યું હતું. અમારા ગામમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી આવી રહ્યા છે, એનો ખૂબ આનંદ છે. તેમના સ્વાગતની જોરશોરથી તૈયારીઓ કરી રહ્યા છીએ.
નોંધનીય છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૩મી જાન્યુઆરી, ૨૦૦૯માં તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં હરિપુરાથી રાજ્યની ૧૩,૬૯૩ ગ્રામ પંચાયતોમાં ઈ-ગ્રામ વિશ્વગ્રામ યોજનાનો શુભારંભ કરાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application