આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા સાંસદ ઢોલ મેળો આજે દાહોદની નવજીવન કોલેજ ખાતેના મેદાન ખાતે ભવ્ય રીતે યોજાયો હતો. આ ૧૬ માં સાંસદ ઢોલ મેળામાં વિવિધ પ્રાંત પ્રદેશની આગવી શૈલી સાથેની નૃત્ય મંડળીઓ આ ઢોલ મેળામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ વેળા રાજ્યમંત્રી શ્રી બચુભાઇ ખાબડ, સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યાં હતા.
રાજ્યમંત્રી શ્રી બચુભાઇ ખાબડે આદિવાસીઓની ભવ્ય સાંસ્કૃતિક પરંપરાને ઉજાગર કરતા સાંસદ ઢોલ મેળા કાર્યક્રમને વધાવી લીધો હતો અને જણાવ્યું હતું કે, આદિવાસી સંસ્કૃતિમાં ગીત-સંગીત-નૃત્યનો સુભગ સમન્વય છે. તેમજ આનંદ ઉત્સવથી ભરપૂર આદિવાસી સંસ્કૃતિનું આપણે જતન કરવું જોઇએ. આપણા ભવ્ય આદિવાસી વારસાને જાળવી રાખવા માટે આ પ્રકારના કાર્યક્રમને વધાવી લેવો જોઇએ. આજના કાર્યક્રમમાં ભાગ લેનારા સૌ કલાકારોને રાજ્યમંત્રીશ્રીએ શુભેચ્છા પાઠવી હતી.
સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે જણાવ્યું કે, પરંપરાગત આદિવાસી સંસ્કૃતિની સાથે વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક નૃત્યશૈલીને એક જ સ્થળે જોવા, માણવા અને જીવંત રાખવાના ઉદ્દેશને ઉજાગર કરવા આદિજાતિ વિસ્તાર પેટા યોજના, દાહોદ અને ભીલ સમાજ સુધારણા મંડળ, દાહોદ દ્વારા આ ઢોલ મેળાનું આયોજન કરાયું છે. દેશ સહિત ગુજરાતના વિવિધ પ્રાંત પ્રદેશની આગવી શૈલી સાથેની નૃત્ય મંડળી આ ઢોલ મેળામાં ભાગ લીધો છે ત્યારે તમામ કલાકારોને સાંસદ શ્રી ભાભોરે શુભેચ્છા પાઠવી હતી અને સરકાર દ્વારા આદિવાસી સંસ્કૃતિના જતન માટે આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરાય છે ત્યારે આપણે આપણી મહાન સાંસ્કૃત્તિક વિરાસતનું જતન કરવું જોઇએ તેમ ઉમેર્યું હતું.
મેળામાં ભાગ લેનારી નૃત્ય મંડળીઓની સ્પર્ધા યોજાઇ હતી. જેમાં ભાગ લેનારી ઢોલ મંડળીઓને મહાનુભાવોને હસ્તે પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા. ઉપસ્થિત નાગરિકો પણ ઢોલ મંડળીઓના મનમોહક પ્રદર્શનથી મંત્રમૃગ્ધ બન્યાં હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500