Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજ્યના મુખ્ય પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં તાપી પોલીસ દ્વારા પ્રસ્તૂત ‘’સપ્તરંગી ગુજરાત’’ની ઝલક

  • January 26, 2025 

વૈશ્વિક સ્તર પર ગુંજતી ભારતીય સંસ્કૃતિ અને જવાનોનું શૌર્ય આપણું ગૌરવ છે, તાપી જિલ્લાના નાગરિકોને રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં પોલીસ અને જવાનોની વિવિધ ટુકડીઓના શૌર્ય અને કુશળતાને નિહાળવાની સૂવર્ણ તક તાપી જિલ્લાના નાગરિકોને મળી હતી. તાપી જિલ્લામાં ૭૬ માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી વાલોડ તાલુકાના બાજીપુરા પરેડ ગ્રાઉન્ડ ખાતે કરાઈ હતી. 


માર્ચ પાસ્ટ બાદ વિવિધ પ્લાટૂનની ટુકડીઓએ પોતાના વીરતાની સાથે કુશળતાનો પણ પરિચય આપ્યો હતો. આ પ્રસંગે દેશની આંતરિક અને સરહદી સુરક્ષામાં ખડેપગ જવાનોની ટુકડીએ બ્રાસ બેન્ડ ડિસ્પ્લે, સાંસ્કૃતિક કાર્યક્રમ, મોટરસાયકલ સ્ટંટ શો, ડોગ શો, અશ્વ શો ના માધ્યમથી જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો, અતિથિઓ, સમાજશ્રેષ્ઠીઓ સહિત ઉપસ્થિતોનું ધ્યાન ખેંચ્યું હતું. જવાનોના હેરતંગેજ સ્ટંટ અને કરતબોએ સૌને અચંબિત કર્યા હતા. નાગરિકોએ પણ આ પ્રસંગે જવાનોનું તાળીઓના ગડગડાટથી વધાવીને તેમના જોશમાં ઉર્જાનો સંચાર કર્યો હતો. 


આ તમામ કાર્યક્રમોમાં ભાગ લીધેલા પોલીસ જવાનોની સિદ્દીઓ અને કૌશલ્ય વિશે વિગતવાર  જાણીએ....


બ્રાસ બેન્ડ ડિસ્પ્લે

તાજેતરમાં ઓલ ઇન્ડિયા પોલીસ બેન્ડ કોમ્પ્યુટેશનમાં નાગાલેન્ડ ખાતે ભાગ લઇ ગુજરાત પોલીસનું નામ રોશન કરનાર આ ગુજરાત પોલીસ બેન્ડ દ્વારા સંગીતની મધુર ધૂન સાથે વિવિધ ફોરમેશન સાથે ડિસ્પ્લે કાર્યક્રમ રજુ કરવામાં આવ્યા હતા.


સાંસ્કૃતિક કાર્યક્રમ (સપ્તરંગી ગુજરાત)

ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરતા લોકનૃત્યો જેવા કે ગુજરાતના ભાતિગળ ગરબા,હાલાર પ્રદેશનો રાસ,ડુંગરાળ પ્રદેશના વનબંધુઓનું ટીમ્બલી નૃત્ય,સોરઠ ધરાની ટીપણી નૃત્ય.આ વિસ્તારનું લોક નૃત્ય એટલે કે ડાંગી નૃત્ય અને અંતમાં હુડો રાસ રજુ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાત પોલીસના મહિલા/પુરૂષ મળી કુલ-૨૨૫ કર્મચારીઓએ ભાગ લીધો હતો. 


મોટરસાયકલ સ્ટંટ શો

આ ટીમ દ્વારા વર્ષ ૨૦૧૧માં સ્વર્ણિમ ગુજરાતની રક્ષાશકિત ઉજવણીમાં આણંદ ખાતે મોટર સાયકલ સ્ટંટ શોનુ સુંદર પ્રદર્શન બતાવી ગુજરાત પોલીસમાં એક મોટર સાયક્લ સ્ટંટની ટીમ ઉભી કરી છે. ત્યાર બાદ મોટર સાયક્લ સ્ટંટ ટીમ દ્વારા ૨૬મી જાનયુઆરી/૧૫મી ઓગષ્ટ તેમજ ગુજરાત સ્થાપના દિવસની રાજયકક્ષાની ઉજવણીમાં મોટર સાયકલ સ્ટંટ શોનુ ખુબજ સુંદર પ્રદર્શન કરી સમગ્ર રાજ્યમાં આ ટીમ પ્રસિદ્ધિ મેળવી છે. આ સ્ટંટમા પોલીસ જવાનો મોટરસાયકલની સિંગલ અને ડબલ ઇવેન્ટો કરી આંખના પલકારામાં એક બીજાને ઉનિઆંચ પણ ન આવે તે રીતે દિલ ધડક ક્રોસીંગ કરતા જાંબાઝ જવાનો જોવા મળ્યા હતા. 


ગુજરાતનું ગૌરવવંતુ પોલીસ શ્વાનદળ

શ્વાન એક વફાદાર પ્રાણી છે. શ્વાન સાથનો માનવીનો સબંધ વર્ષો પુરાણો છે.શ્વાનનું જીવન માનવીના જીવન સાથોસાથ સંકળાયેલ છે. શ્વાન તાલીમ કેન્દ્ર સૈજપુરબોધા, અમદાવાદ ખાતે શ્વાનોને પગેરૂ શોધવાની, ગંધ પારખવવાની, સ્ફોટક પદાર્થ શોધવાની, નશીલા પદાર્થ શોધવાની તાલીમ અપાય છે. ડોગ શોમા જે શ્વાનો ભાગ લઇ રહેલ છે. જેમાં લેબ્રાડોર, જર્મનશેફર્ડ,અને બેલ્જીયમમ લીનોઇઝ જાતિના ડોગ છે. આ શ્વાનોને ટ્રેકર, સ્નીફર, નાર્કોટીક્સ, એસાલ્ટ ઓળખવા જેવી અલગ- અલગ પ્રકારની તાલીમ શ્વાન તાલીમ કેન્દ્ર સૈજપુરબોધા, અમદાવાદ ખાતે પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી ડીજી ઝાલાના માર્ગદર્શન હેઠળ આપવામાં આવ્યા છે. નોંધનિય છે કે, ગુજરાત રાજ્ય પોલીસ શ્વાનદળે અત્યાર સુધીમાં અખિલ ભારતીય શ્વાન સ્પર્ધા અને ચૅપિયન ડોગ "શો"માં પ્રશંસનીય કામગીરી કરી ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ, બ્રોઝ મેડલ, ટ્રોફીઓ અને પ્રંશસાપત્રો મેળવી શ્વાનદળનું ગૌરવ વધાર્યું છે. 


ડોગનો ડેમોસ્ટ્રેશન ઓબીડીયંસ

અવનવા કરતબો કરતા ટ્રેઇન્ડ ડોગ માટે અહીં જાણવા જેવી બાબત છે કે આ શ્વાનોની ઉમર ૬(છ) માસની થાય ત્યાર પછી તાલીમ આપવાની શરૂ કરાય છે. સૌપ્રથમ શ્વાનોને પરીચારકના હુકમનું પાલન કરતા શીખવવામાં આવે છે. શ્વાન પરીચારકના આદેશ મુજબ શ્વાનને ‘શીટ’ એટલે કે બેસી જવું, ‘અપ’ એટલે ઊભા થવું, ‘ડાઉન’ એટલે જમીન સાથે યોટીને બેસવું, ‘રેસ્ટ’ એટલે આરામ કરવું, ‘રોલ’ એટલે પલટી ખાવી જેવી આજ્ઞાંકિત બનાવવાની તાલીમ આપવામાં આવે છે.


શ્વાનોની પસંદગી

રાજયના શ્વાનદળ માટે શ્વાનોની પસંદગી સારા ઉચ્ચકક્ષાના બ્રીડમાંથી યોગ્ય બ્રીડર પાસેથી ખરીદ કરવામાં આવે છે.ઘણી વખત શ્વાનદળ ખાતેના સરકારી પોલીસ ડોગનું આંતરીક મેટીંગ કરાવી પપ્સ મેળવવામાં આવે છે. હાલમાં શ્વાનદળમાં એકતાલીસ (૪૧)ડોગના પપ્સ ખરીદ કરવામાં આવેલ છે


શ્વાનદળની કામગીરી


રાજયના શ્વાનદળમાં ટ્રેકર ડોગ, એક્સપ્લોઝીવ ડોગ, નારકોટીકસ ડોગ અને અસાલ્ટ ડોગની અલગ-અલગ પ્રકારની કામગીરી કરી રાજયમા બનતા ગુન્હાઓને શોધવામાં પોલીસ ખાતામાં મદદરૂપ થાય છે.તેમજ ઓલ ઇન્ડીયા ડયુટીમીટમાં મેડલ મેળવી ગુજરાત રાજય પોલીસને ગૌરવ અપાવવામાં મહત્વની ભાગીદારી નોંધાવે છે. 


અશ્વ શોઃ ટેન્ટ પેગીંગનો ઇતિહાસ


રાજા મહારાજા અને અંગ્રેજોના સમયમા એક બીજાના રાજ્યો ઉપર દુશ્મનોના જે ટેન્ટો લાકડાની પેગો જમીનમાં રોપીને એ ટેન્ટોમાં રોકાણ કરતાં આ સમયમાં આવા ટેન્ટો અને દુશ્મનોની છાવણી ઉપર ઘોડાઓ ઉપર સવાર થઇ અશ્વો દ્વારા હુમલો કરી પેગોને ભાલાથી ઉખેડી નાખવામાં આવતા હતા. આ રીતે દુશ્મનોના ટેન્ટો ઉપર હુમલો કરવામાં આવતો હતો. 


આમ, આ સમય પછી થી હાલમાં નેશનલ લેવલે તેમજ આંતર રાષ્ટ્રીય લેવલે રમાતી અશ્વ સ્પર્ધાઓમાં આ ટેન્ટ પેગીંગ ઇવેન્ટનો ખાસ સમાવેશ કરવામાં આવે છે. આ ઇવેન્ટમાં પાણીદાર અને ચુનંદા અશ્વોનો તેમજ ચુનંદા અશ્વ સવારો દ્વારા આ હોર્સ-શૉના દિલધડક કરતબો બતાવી તમામ દર્શકોને મંત્રમુગ્ધ કરી દે છે. અત્રે નોંધનિય છે કે, પોલીસ વિભાગના તમામ કાર્યક્રમો ડી.જી.પી.સાહેબશ્રીની સુચનાથી સ્ટેટ નોડલ અધિકારી તથા ના.પો.અધિક્ષકશ્રી વિજયસિંહ પરમારની ટીમ દ્વારા તૈયાર કરવા સહિત તાપી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ પટેલની રાહબરી હેઠળ અને નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.એસ.નાયક સહિત સમગ્ર તાપી જિલ્લા પોલીસ ટીમ પ્રસંસનીય કામગીરી કરી રહી છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application