તાપી જિલ્લા પંચાયત વ્યારાની સામાન્ય સભાની બેઠક આજરોજ જિલ્લા પંચાયત પ્રમુખ સુરજભાઇ વસાવાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. બેઠકમાં વર્ષ ૨૦૨૧-૨૨માં પુર નિયંત્રણ, રેતી-કંકર ગ્રાન્ટમાંથી વિકાસના કામોના આયોજન અંગે તથા ૧૫માં નાણાપંચ અંતર્ગત બીડીપી, ડીડીપી ફ્રેમવર્ક અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં પ્રમુખએ તમામ પદાધિકારી/અધિકારીઓને નિષ્પક્ષ રીતે વિકાસના કામો હાથ ધરવા જણાવ્યું હતું. ખાસ કરીને નિષ્ણાંતોના જણાવ્યા મુજબ કોરોનાની ત્રીજી સંભવિત લહેર સામે મજબૂત રક્ષા કવચ માટે એક માત્ર વેક્સિન ઉપાય હોવાનુ જણાવી ગ્રામ્ય વિસ્તારમાં વધુમાં વધુ વેક્શિનેશન થાય તેવા પ્રયાસો કરવા ચૂટાંયેલા પ્રતિનિધિઓને ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડૉ.દિનેશકુમાર કાપડિયાએ જણાવ્યું હતું કે, મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં વર્તમાન સરકાર પારદર્શીતા, સંવેદનશીલતા, નિર્ણાયકતા અને પ્રગતિશીલતાના ચાર પાયાના સિધ્ધાંત સાથે વિકાસના માર્ગે આગળ વધી રહી છે. રાજય કક્ષાની તમામ નિતી યોજનાઓનું અમલીકરણ જિલ્લા કક્ષાએથી થતુ હોય છે ત્યારે પદાધિકારી અને અધિકારીઓ પરસ્પર સંકલન અને વ્યવહારૂ અભિગમ અપનાવી ગુણવત્તાયુક્ત અને કાયમી ધોરણે લોકોના પ્રશ્નોના ઉકેલ આવે તેવા કામો કરે તે ખુબ જ જરૂરી છે.
ડૉ.કાપડિયાએ ઇ-ગ્રામ યોજના હેઠળ પુરી પાડવામાં આવતી ૫૫ જેટલી સેવાઓની જાણકારી આપી લોક પ્રશ્નોનું સ્થાનિક કક્ષાએથી નિવારણ કરવા સુચના આપી હતી. ખાસ કરીને શુધ્ધ પીવાના પાણીથી કોઇ ગામ વંચિત ન રહે તેની વિશેષ કાળજી રાખવાનું જણાવી રોડ-રસ્તાના કામો, કૃષિ બાગાયત, નલ સે જલ યોજના, ૧૫મું નાણાપંચ, પંચવટી યોજના, ઇ-ગ્રામ, માદરે વતન, ગામતળ વધારવા સહિતની છેવાડેના જરૂરીયાતમંદ માનવીને સ્પર્શતી યોજઓના સઘન અમલીકરણ બાબતે કેટલાક રચનાત્મક સુચનો કર્યા હતા. તેમણે કોરોનાની સંભવીત ત્રીજી લહેર સામે રક્ષણ મેળવવા વેક્શિનેશનની કામગીરી વધારવા સંબંધિત અધિકારીઓને જરૂરી સુચનો કર્યા હતા. ઉપરાંત જિલ્લા પંચાયતના વહિવટને નક્કર અને સુદ્રઢ બનાવવાની બાબત પર ભાર મુકતા પદાધિકારી-અધિકારીઓના સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500