મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં હોળીના દિવસે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હોળીના દિવસે મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન અકસ્માત સર્જાયો હતો. મંદિરના ગર્ભગૃહમાં આગ લાગી હતી. જેના કારણે પૂજારી સહિત 14 લોકો દાઝી ગયા હતા. હાલ ઘાયલોને એમ્બ્યુલન્સની મદદથી ઉજ્જૈનની જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. જો કે મોટી નુકશાની થાય તે પહેલા આગ પર સમયસર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો, પણ આ ઘટનાથી ત્યાં હાજર લોકોમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી. લોકોએ ડરના માર્યા નાસભાગ અને હોહા કરી મૂકી હતી.
ધાર્મિક વિધિ દરમિયાન ગુલાલ ઉડાવવામાં આવી રહ્યો હતો ત્યારે આગ ફાટી નીકળી હતી. મંદિરના ગર્ભગૃહમાં લાગેલી આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે કોઇને બચવાનો મોકો જ નહોતો મળ્યો. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે આ ઘટના મંદિરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ છએ. પૂજાની થાળીમાં રાખેલો ગુલાલ ઉડાવતા આગ ફાટી નીકળી હતી. થાળીમાં સળગતું કપૂર હતું. આ કપૂર જમીન પર ફેલાઇ ગયું અને જ્વાળાઓ ભડકી ઉઠી હતી.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે તેમણે મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવ પાસેથી પરિસ્થિતિ વિશે માહિતી મેળવી છે. સ્થાનિક વહીવટીતંત્ર ઘાયલોને તમામ શક્ય મદદ કરશે. આ ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ ત્રણ દિવસમાં આપવા જણાવવામાં આવ્યું છે.ઘાયલોની ઓળખ સત્યનારાયણ સોની, ચિંતામણિ, રમેશ, અંશ શર્મા, શુભમ, વિકાસ, મહેશ શર્મા, મનોજ શર્મા, સંજય, આનંદ, સોનુ રાઠોડ, રાજકુમાર બૈસ, કમલ અને મંગલ તરીકે થઈ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500