સુરતમાં મહિલા પોલીસકર્મીએ આત્મહત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરત એરપોર્ટમાં ફરજ બજાવતા મહિલા પોલીસકર્મીએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને મોતને વ્હાલું કર્યું હતું. મહિલા પોલીસે સુસાઈડ નોટ લખી હોવાનું સામે આવ્યું છે. જેમાં તેમણે લખ્યું હતું કે, ‘જીવન જીવવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ હવે જીવવું ગમતું નથી’ મારા મોત માટે કોઈ જવાબદાર નથી’ સુરત પોલીસે મહિલા પોલીસકર્મીને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સુરત એરપોર્ટમાં ફરજ બજાવતા મહિલા પોલીસકર્મી શેતલ ચૌધરીએ તેમના ઘરે કોઈ કારણોસર આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. મૃતક મહિલા પોલીસકર્મીના ઘરેથી પોલીસને સુસાઈડ નોટ મળી આવી હતી. મહિલા પોલીસકર્મી છેલ્લા આઠ વર્ષથી પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હતા. મૃતક મહિલાની બહેને જણાવ્યું હતું કે, ‘હું લાઈબ્રેરીમાંથી વાંચીને જ્યારે ઘરે પરત ફરી ત્યારે મને આ મામલે જાણવા મળ્યું હતું, મારી બહેન કામ પ્રત્યે ઘણી ગંભીર હતી. શેતલ વારંવાર ફોનથી કોઈ સાથે વાત કરતી હતી, પરંતુ કોણ છે એ ખ્યાલ નથી.' મહિલા પોલીસનો મૃતદેહ બનાસકાંઠા લઈ ગયા છે, જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. મહિલા પોલીસનાં આપઘાત મામલે સુરત પોલીસે સુસાઈડ નોટ અને ફોન મેળવીને વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500